સાર્વત્રિત વેચવાલીએ સેન્સેક્સ 984 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 23,600ની નીચે

અમદાવાદઃ શેરબજારમાં વેચવાલી સતત હાવી છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત પાંચમા દિવસે ઘટીને બંધ રહ્યા હતા. BSEનાં બધા સેક્ટર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપમાં ભારે વેચવાલી જોવા મળી હતી. રોકાણકારોના રૂ. આઠ લાખ કરોડ સ્વાહા થયા હતા. 

ઓક્ટોબરમાં મોંઘવારીનો દર 6.21 ટકાએ પહોંચ્યો હતો, જે છેલ્લા 14 મહિનાની મહત્તમ સપાટીએ છે. જે RBIના 2-6ના લક્ષ્યાંકથી પણ ઊંચો છે. મોંઘવારીનો દર ઊંચો હોવાને કારણે વ્યાજદરો કાપની સંભાવના ટાળવામાં આવે એવી વકી છે. જેથી બજારમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે. જેથી BSE સેન્સેક્સ ટ્રેડિંગ સેશનને અંતે 984.23 તૂટીને 77,690.95ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 353 પોઇન્ટ તૂટીને 23,530ના મથાળે બંધ રહ્યો હતો.

આ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારો બજારમાંથી સતત પૈસા પરત ખેંચી રહ્યા છે. નવેમ્બરમાં અત્યાર સુધી તેમણે રૂ. 25,180-72 કરોડની ચોખ્ખી વેચવાલી કાઢી હતી.વળી, વિદેશી રોકાણકારો હવે ભારત કરતાં ચીનના બજારોને વધુ આકર્ષક માની રહ્યા છે. જેથી તેઓ ઘરેલુ બજારમાં સતત વેચવાલ છે.

 

BSE એક્સચેન્જ પર કુલ 4067 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 679 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 3292 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 96 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 147 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 175 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.