અમદાવાદઃ સંવંત 2078ના પ્રારંભે બજારમાં મુહૂર્ત ટ્રેડિંગમાં શેરબજાર તેજી સાથે ખૂલ્યું હતું. મુહુર્ત ટ્રેડિંગમાં નિફ્ટી 102 પોઇન્ટ વધી 17,931.55ની સપાટીએ ખૂલ્યો હતો, જ્યારે બીએસઈ સેન્સેક્સ 345 પોઇન્ટના ઉછાળા સાથે 60,130ના મથાળે તેજીમાં ખૂલ્યો હતો. મોટા ભાગના સેક્ટોરલ ઇન્ડેક્સ તેજીમાં છે. આ તેજીમાં ઓટો, પીએસયુ બેન્ક, ફાર્મા, હેલ્થકેર, લોજિસ્ટિક અને પાવર શેરોમાં તેજી છે. આ સાથે સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં પણ પસંદગીની જાતોમાં લેવાલી નીકળી હતી. છેલ્લાં ત્રણ વર્ષની દિવાળી માર્કેટ તેજી સાથે બંધ થયું હતું. જોકે મેટલ શેરોમાં સાવચેતીરૂપે ટકેલા મથાળે હતા. બજાર બંધ થતાં સમયે ઉપલા મથાળેથી સાધારણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
સેન્સેક્સ 295 પોઇન્ટ ઊછળી 60,067ની આસપાસ બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 88 પોઇન્ટ ઊળી 17,916ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી 50માં સમાવિષ્ટ 50 શેરોમાંથી 39 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં 12માંથી 10 શેરોમાં તેજી થઈ હતી.
તહેવારોની સીઝનમાં ઓક્ટોબરમાં ઓટો કંપનીઓના વેચાણ વધતાં ઓટો શેરોમાં તેજી થઈ રહી છે. બજારના નિષ્ણાતના જણાવ્યા મુજબ બજારમાં હાલ કોઈ મોટા ઘટાડીની શક્યતા નથી. જોકે બજાર હાલ ખૂબ ઊંચા સ્તરે છે, જેથી રોકાણકારોએ સાવચેતી જરૂરી છે.