અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. જાન્યુઆરી મેન્યુફેક્ચરિંગ PMI પછી સર્વિસિસ PMI પણ સાત વર્ષની ઊંચાઈ પહોંચતાં શેરબજારમાં તેજીનો માહોલ હતો. જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ ક્ષેત્ર સારા ડેટા આવતાં અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યું હોવાના સંકેતો મળતાં તેજીવાળાઓ શેરોમાં લેવાલી ચાલુ રાખી હતી. અર્થતંત્ર રિકવર થતાં દેશનો આર્થિક વિકાસદર વધવાની ધારણાએ શેરોમાં તેજીની આગેકૂચ જળવાઈ રહી હતી. જેથી સેન્સેક્સે 41,000ની અતિ મહત્ત્વની સપાટી કુદાવી હતી અને નિફ્ટી 50 ઇન્ડેક્સે પણ 12,000ની મહત્ત્વની સપાટી કુદાવી હતી.
વૈશ્વિક બજારોની સાથે એશિયન બજારોમાં પણ તેજી થઈ હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 353.28 પોઇન્ટ ઊછળીને 41,142ને મથાળે બંધ રહ્યો હતો અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 110.60 પોઇન્ટ ઊછળીને 12,090ના મથાળે બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જના 11 મુખ્ય ઇન્ડેક્સો પૈકી 10માં તેજી થઈ હતી. રિલાયન્સ, ટીસીએસ, એરટેલ, એસબીઆઇ અને તાતા સ્ટીલની આગેવાનીએ મેટલ, બેન્ક, ફાઇનાન્શિયલ, ઓટો અને બેન્ક અને રિયલ્ટી શેરોમાં સારીએવી લેવાલીને પગલે ભારે તેજી થઈ હતી.રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમીક્ષા માટે એમપીસીની ત્રિદિવસીય બેઠક આવતી કાલે પૂરી થશે. જોકે બજારની ધારણા પ્રમાણે મોટા ભાગે આરબીઆઇ મહત્ત્વના વ્યાજદરો જાળવી રાખે એવી ધારણા છે.
સ્થાનિક બજારોને તેજી થવામાં વૈશ્વિક શેરબજારોની મદદ મળી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સુધારો આગળ વધ્યો હતો. મેટલ ઇન્ડેકસ ત્રણ ટકા વધ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 1181 પોઇન્ટ વધ્યો હતો.છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 428 પોઇન્ટ વધ્યો હતો અને સેન્સેક્સ 1,407 પોઇન્ટ ઊછળ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 21 શેરો, એનએસઇ 50માંથી 34 શેરો અને બેન્ક નિફ્ટીમાંના 12માંથી 10 શેરોમાં તેજી થઈ હતી.