ઉત્પાદન પછી હવે સર્વિસિસ PMI પણ વધીને સાત વર્ષની ઊંચાઈએ

નવી દિલ્હીઃ પાછલા કેટલાક દિવસોથી જાહેર થઈ રહેલા આંકડા એ વાતની પુષ્ટિ કરે છે કે દેશનું અર્થતંત્ર મંદીની ગર્તામાંથી બહાર નીકળીને ધીમે-ધીમે પાટે ચઢી રહ્યું છે અને આર્થિક ક્ષેત્રે વ્યાપેલી સુસ્તી ધીમે-ધીમે દૂર થઈ રહી છે. મંગળવારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના આંકડા સકારાત્મક આવ્યા હતા. હવે સર્વિસિસ ક્ષેત્રે જાહેર થયેલા આંકડા પણ પ્રોત્સાહક આવ્યા છે. જાન્યુઆરીમાં માગ મજબૂત રહેતાં સર્વિસિસ ક્ષેત્રની કામગીરીમાં ઉછાળો આવ્યો હતો અને સર્વિસિસ PMI સાત વર્ષના ઊંચાઈએ પહોંચ્યા હતા.

નવા ઓર્ડર્સમાં નોંધપાત્ર વધારો

દેશમાં વેપાર ક્ષેત્રે નવા ઓર્ડર્સમાં વધારો, સાનુકૂળ બજાર વાતાવરણ અને વેપારીઓનું માનસ સકારાત્મક રહેવાને કારણે કામકાજમાં તેજી જોવા મળી હતી. આઇએચએસ માર્કિટ ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ (સર્વિસિસ પીએમઆઇ) જાન્યુઆરીમાં 56.3ના સ્તરે આવ્યો હતો, જ્યારે ડિસેમ્બરમાં એ 53.3ના સ્તરે હતો. એ 2013થી 2020ના ગાળામાં સર્વિસિસ PMI  સૌથી ઊંચા સ્તરે હતો.બજારોમાં ગ્રાહકલક્ષી માગ વધવાથી વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેથી વેપારીઓની આવકમાં પણ વધારો નોંધાયો હતો. આમ માગ વધતાં સર્વિસ પ્રોવાઇડરોએ પણ ક્ષમતામાં વધારો કર્યો હતો, જેથી રોજગારમાં પણ વધારો થયો હતો. વર્ષ 2012 પછી આ રોજગારી સર્જનનો વધારો એવા સમયે થયો હતો, જ્યારે વિશ્વ બજારોમાં સ્લોડાઉન ચાલી રહ્યું છે.

જાન્યુઆરીમાં કોમ્પોઝિટ PMI આઉટપુટ ઇન્ડેક્સ ડિસેમ્બરના 53.7થી વધીને 56.3 નોંધાયો હતો. જાન્યુઆરીના ડેટા દર્શાવે છે કે ખાનગી ક્ષેત્રની કામગીરીમાં વધારો થયો હતો, ખાસ કરીને એ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ ક્ષેત્ર વિસ્તૃત પાયે કામકાજમાં વધારો થયો હતો. ખાસ કરીને છેક 2013ના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ઉત્પાદકો અને સર્વિસ પ્રોવાઇડરોના નવા બિઝનેસમાં  જાન્યુઆરી 2020માં નોંધપાત્ર વધારો થતાં કુલ સરેરાશ વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો.