અમદાવાદઃસતત ત્રણ દિવસના પ્રત્યાઘાતી ઘટાડા પછી શેરબજાર ફરી તેજીને પંથે છે. વૈશ્વિક સ્તરે પ્રોત્સાહક સંકેતોએ બજારને સારો ટેકો આપ્યો હતો. બજારની તેજીમાં આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 4.7 લાખ કરોડનો વધારો થયો છે. આ પહેલાં ત્રણ દિવસમાં રોકાણકારોએ રૂ. 6.6 લાખ કરોડ ગુમાવ્યા છે.
સપ્તાહના અંતે સેન્સેક્સ 496.37 પોઇન્ટની તેજી સાથે 71,68323 અને નિફ્ટી 160.15 પોઇન્ટ ઊછળી 21,622.40 પર બંધ થયા હતા. નિફ્ટીના મોટા ભાગના સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા એકમાત્ર બેન્ક નિફ્ટી સપાટ બંધ આવ્યો હતો. સાપ્તાહિક આધારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આ સપ્તાહે એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, છેલ્લા ત્રણ મહિનામાં સાપ્તાહિક આધારે આ સૌથી મોટો ઘટાડો છે. જ્યારે નિફ્ટી બેન્કમાં આ સપ્તાહે એક વર્ષનો સૌથી મોટો ઘટાડો છે.
BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે રૂ. 373.56 લાખ કરોડે પહોંચ્યું હતું, જે ગઈ કાલે રૂ. 369.50 લાખ કરોડ હતું. આમ રોકાણકારોની સંપત્તિમાં રૂ. ચાર લાખ કરોડનો વધારો થયો હતો.
BSE પર લિસ્ટેડ 3912 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2468 શેરોમાં તેજી રહી હતી અને 1337 શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે 107 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સાથે 389 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી અને 10 શેરો 17 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા હતા. આ સાથે આઠ શેરો અપર સરકિટની ઉપર પહોંચ્યા હતા, જ્યારે બે શેર લોઅર સર્કિટ પર આવી ગયા હતા.