રિલાયન્સ, બેન્ક શેરોની આગેવાનીએ  સેન્સેક્સ, નિફ્ટી નવા શિખરે

અમદાવાદઃ રિલાયન્સની અને બેકિંગ શેરોની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટીએ 23,890નો ઇન્ટ્રા-ડે હાઇ બનાવ્યો હતો, જ્યારે સેન્સેક્સે 78,759નો હાઇ બનાવ્યો હતો. નિફ્ટી બેન્ક પણ 52,988ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 1.21 લાખ કરોડનો વધારો થયો હતો.

વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોની વચ્ચે ઘરેલુ શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. બજારમાં ટ્રેડિંગમાં બેન્કો, ફાઇનાન્શિયલ, FMCG અને ફાર્મા શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી, જ્યારે ઓટો, મેટલ, IT, રિયલ્ટી ઇન્ડેક્સ નરમ બંધ રહ્યા હતા. BSE ઇન્ડેક્સ 620.73 પોઇન્ટ ઊછળી 78,674.40ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 147.50 પોઇન્ટ ઊછળી 23,868.80ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્કેકસ્ 53,000ની નજીક બંધ થયો હતો.

ટેરિફમાં વધારો કરવાના સમાચારોએ ટેલિકોમ શેરોમાં તેજી જોવા મળી હતી. સ્પેક્ટ્રમની લિલામીને પગલે ટેલિકોમ શેરોમાં તેજી જોવા મળી હતી. આ સાથે જૂન કોન્ટ્રેક્ટ સિરીઝ પહેલાં શેરોમાં સતત બીજા દિવસે રેકોર્ડ સ્તરે સેન્સેક્સ અને નિફ્ટી બંધ થયા હતા.BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ગઈ કાલના માર્કેટ કેપથી વધીને રૂ. 436.97 લાખ કરોડે પહોંચ્યું હતું. BSE પર કુલ 4008 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1916 શેરો તેજી સાતે બંધ થયા હતા, જ્યારે 1967 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 125 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 296 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 25 શેરોએ નવા નીચલા સ્તર પહોંચ્યા હતા.