સેન્સેક્સ સૌપ્રથમ વાર 78,000ને પાર, નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ

અમદાવાદઃ નિફ્ટી જૂન કોન્ટ્રેક્ટ સિરીઝ પહેલાં શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. જેને પગલે સેન્સેક્સ 78,054 અને નિફ્ટી 23,721ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 902 પોઇન્ટની તેજી સાથે 52,606ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 209 પોઇન્ટની તેજીની સાથે 55,369ના સ્તરે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 16,000 કરોડનો વધારો થયો હતો. જોકે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું.

એશિયન બજારોની તેજી અને બ્લુ ચિપ બેન્કોમાં તેમ જ IT શેરોની ધૂમ ખરીદીને પગલે શેરોમાં લાલચોળ તેજી થઈ હતી. નિફ્ટી બેન્કમાં સમાવિષ્ટ એક્સિસ બેન્ક, ICICI બેન્ક અને HDFC બેન્કની આગેવાની હેઠળ બેન્ક શેરોમાં ધૂમ તેજી થઈ હતી. વેપારી વાહનોની મજબૂત માગના અહેવાલો પછી બેન્ક શેરોમાં રોકાણકારોએ લેવાલી કાઢી હતી. આ સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીના શેરોમાં પણ તેજી થઈ હતી. BSE સેન્સેક્સ 712 પોઇન્ટ ઊછળી 78,054ના મથાળે અને નિફ્ટી 184 પોઇન્ટની તેજી સાથે 23,721ના સ્તરે બંધ થયો હતો.

BSEમાં લિસ્ટેડ કંપનીઓની કુલ એમ-કેપ રૂ. 435.76 લાખ કરોડે પહોચ્યું હતું, જે સોમવારે રૂ. 435.60 લાખ કરોડ હતું. આ પ્રકારે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે રૂ. 16,000 કરોડ વધ્યું હતું.

એક્સચેન્જ પર કુલ 4000 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 1805 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 2077 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 118 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 312 શેરો 52 સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા, જ્યારે 21 શેરો 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા હતા.