અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શેરોમાં લાલચોળ તેજી થઈ હતી. IT શેરોની આગેવાનીએ સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે બંધ આવ્યા હતા. નિફ્ટી IT ઇન્ડેક્સમાં 42 મહિનાની મોટી ઇન્ટ્રા-ડે તેજી થઈ હતી. એ સાથે નિફ્ટી IT 52 સપ્તાહની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.શેરબજારમાં આજની તેજીએ સેન્સેક્સ અને નિફ્ટી- બંનેએ પાછલા બધા રેકોર્ડ તોડ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો. સેન્સેક્સ 847 પોઇન્ટ ઊછળી 72,568ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 247 પોઇન્ટ ઊછળી 21,894ના સ્તરે બંધ થયો હતો.
કંપનીઓનાં ડિસેમ્બરે ત્રિમાસિક પરિણામોમાં IT સર્વિસની આવક રૂ. 22,151 કરોડ રહી હતી, જ્યારે એ રૂ 21,989 રહેવાનો અંદાજ હતો. આ પહેલાં બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની IT સર્વિસની આવક 22,395.8 કરોડ હતી. IT સર્વિસનું EBIT માર્જિન ત્રીજા ત્રિમાસિકમાં 16 ટકા રહ્યું હતું., જે પાછલા ત્રિમાસિકમાં 16.1 ટકા રહ્યું હતું.
આ સાથે BSE મિડકેપ અને સ્મોલ કેપમાં ક્રમશઃ 0.28 ટકા અને 0.42 ટકા તેજી રહી હતી. IT ઇન્ડેક્સ પાંચ ટકા વધ્યો હતો.
BSE પર 2942 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 2111 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1744 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 87 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 539 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે નવ શેરોએ 52 સપ્તાની નવી નીચલી સપાટી ટચ કરી હતી.