શેરબજારમાં તેજીની આગેકૂચઃ BSE સેન્સેક્સ 73,000ને પાર

અમદાવાદઃ સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારોનો રેકોર્ડ બનાવવાનો સિલસિલો જારી રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે બંધ આવ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો. છેલ્લાં બે ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. છ લાખ કરોડનો વધારો થયો છે.

શેરબજારમાં સતત પાંચમા દિવસે તેજીની આગેકૂચ થઈ હતી. ઇન્ટ્રા-ડેના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સે 73,000ની સપાતી વટાવીને 73,402.16ની નવી ઊંચી સપાટી સર કરી હતી અને એ સાથે નિફ્ટીએ 22,115.55 પોઇન્ટની નવી ઊંચી સપાટી બનાવી હતી. IT કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામોએ બજારમાં આગઝરતી તેજી થઈ રહી છે.

BSE સેન્સેક્સ ટ્રેડિંગ સેશનને અંતે 759.48 ઊછળી, 73,000ની સપાટી વટાવી 73,327.94 બંધ આવ્યો હતો, જ્યારે NSEનો 50 ઇન્ડેક્સ 202.90 પોઇન્ટ ઊછળી 22,097.45ના મથાળે બંધ આવ્યો હતો. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 376.14 લાખ કરોડે પહોંચ્યું હતું. જેથી રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 2.85 લાખ કરોડનો વધારો થયો હતો. જાન્યુઆરીમાં અત્યાર સુધી માર્કેટ કેપમાં રૂ. 12 લાખ કરોડનો વધારો થયો હતો. નિફ્ટી બેન્ક 520 પોઇન્ટની તેજી સાથે 48,229ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 325 પોઇન્ટની તેજી સાથે 47,838ના સ્તરે બંધ થયો હતો.

BSEમાં કુલ 4060 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, એમાં 2102 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1843 શેરો નરમ બંધ આવ્યા હતા, જ્યારે 115 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 565 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી અને 16 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટી બનાવી હતી.