અમદાવાદઃ રિલાયન્સ અને HDFC બેન્ક જેવા હેવી વેઇટ શેરોની આગેવાની હેઠળ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. બેન્કિંગ અને મેટલ શેરોએ પણ સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતુ, જેથી સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ ક્રમશઃ તૂટીને 70,400 અને 21,300ની નીચે આવી ગયો હતો. ફાર્મા સિવાય બાકીના સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ તૂટીને બંધ રહ્યા હતા. માર્કેટમાં આ ઘટાડાને પગલે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 8.08 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ પ્રોફિટ બુકિંગ થયું હતું.
HDFC બેન્કનાં નિરાશાજનક ત્રિમાસિક પરિણામો પછી બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. આ ઉપરાંત ગ્લોબલ બ્રોકરેજ સિટીએ રિલાયન્સનું રેટિંગ ડાઉનગ્રેડ કરતાં પણ શેરોમાં વેચવાલી ફરી વળી હતી. સોની ગ્રુપના 10 અબજ ડોલરનો મેગા મિડિયા મર્જર સોદાની ડેડલાઇન પૂરી થયા પછી ઝી એન્ટરટેઇનમેન્ટને ટર્મિનેશન નોટિસ મોકલી હતી, જેને પગલે ઝી એન્ટરટેઇનમેન્ટ 30 ટકા તૂટીને રૂ. 160 બંધ આવ્યો હતો, જે એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. આ સાથે બેન્કિંગ શેરો પણ શેરબજારનું સેન્ટિમેન્ટ બગાડ્યું હતું. બજાર ખૂલતામાં તેજી થયા બાદ જોરદાર વેચવાલી થઈ હતી.
BSE સેન્સેક્સ 1053 પોઇન્ટ તૂટીને 70,370.55ના મથાળે અને નિફ્ટી 333 પોઇન્ટ તૂટીને 21,238.80ના મથાળે બંધ આવ્યો હતો. નિફ્ટી બેન્ક 2.26 ટકા તૂટીને બંધ થયો હતો. આ સાથે છેલ્લા બે મહિનાથી શેરોમાં લેવાલ FII આ મહિને ચોખ્ખા વેચવાલ હતી. FIIએ અત્યાર સુધી શેરોમાં રૂ. 13,000 કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક ફંડોએ આ વેચવાલી ખાળવા પ્રયાસ કર્યા હતા, પણ એ ફાવ્યાં નહોતાં.