અમદાવાદઃ દેશમાં 14 જુલાઈ ઐતિહાસિક દિવસ છે, કેમ કે ઇસરોએ અંતરિક્ષમાં ચંદ્રયાન-3 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, જ્યારે ભારતીય શેરબજારો નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે બંધ થયા હતા. સેન્સેક્સ સૌપ્રથમ વાર 66,000 ઉપર બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટીએ 19,595ની નવી ઓલટાઇમ ઊંચી સપાટી સર કરી હતી. ઇન્ફોસિસ અને TCS ની આગેવાની હેઠળ IT ઇન્ડેક્સ 4.03 ટકાની તેજી સાથે બંધ થયો હતો.
સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શેરોમાં આગઝરતી તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 502 પોઇન્ટ ઊછળી 66,060.90ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી50 150.75 પોઇન્ટ ઊછળી 19,564.50ના મથાળે બંધ થયો હતો. IT, મેટલ, રિયલ્ટી અને ફાર્મા ક્ષેત્રના શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપમાં તેજીમય વાતાવરણ હતું.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.87 લાખ કરોડનો વધારો
BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 298.64 લાખ કરોડે પહોંચ્યું હતું, જે ગઈ કાલે રૂ. 295.77 લાખ કરોડ હતું. આમ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આશરે રૂ. 2.87 લાખ કરોડનો વધારો થયો હતો.
BSE પર 3567 શેરોમાં ટ્રેડિંગ કામકાજ થયાં હતાં, એમાંથી 2228 શેરો વધીને બંધ રહ્યા હતા અને 1191 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે 148 શેરો સ્થિર સપાટીએ બંધ રહ્યા હતા. આ સિવાય 166 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 106 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.