શેરબજારમાં ભારે વેચવાલી, સેન્સેક્સ વધુ 407 પોઈન્ટ ગબડ્યો

અમદાવાદ– શેરબજારમાં ગઈકાલના ઉછાળા બાદ આજે નરમાઈનો દોર યથાવત રહ્યો હતો. અમેરિકન સ્ટોક માર્કેટના નવા કડાકા પાછળ એશિયાઈ અને ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ડહોળાઈ ગયું હતું. તેજીવાળા ખેલાડીઓ અને એફઆઈઆઈની વેચવાલીનો દોર હતો. જેથી બજેટ પછી આવેલી નિરાશા વધુ આગળ વધી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 407.40(1.18 ટકા) તૂટી 34,005.76 બંધ રહ્યો હતો.  અને એનએસઈ નિફટી 121.90(1.15 ટકા) ગબડી 10,454.95 બંધ થયો હતો.

 • અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉજોન્સ 1032.89 તૂટી 23,860.46 બંધ રહ્યો હતો.
 • નેસ્ડેક 274.83 ગબડી 6777.16 બંધ રહ્યો હતો.
 • જાપાનનો નિક્કી 508 પોઈન્ટ માઈનસ હતો.
 • હોંગકોંગનો હેંગસેંગ 943 પોઈન્ટ તૂટ્યો હતો.
 • તાઈવાન, કોરિયા, સિંગાપોર અને ચાઈના સ્ટોક માર્કેટ પણ ગબડ્યા હતા.
 • બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા.

ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ સવારે શેરબજાર કડાકા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ ગબડી પડ્યો હતો. એક તબક્કે રોકાણકારોની 2 લાખ કરોડ રૂપિયાની મૂડીનું ધોવાણ થયું હતું. જોકે બપોર બાદ મેટલ અને રિયલ્ટી સેકટરના શેરોમાં ટેકારૂપી લેવાલી આવી હતી, જેથી નીચા મથાળે નવી લેવાલીથી શેરોના ભાવ અને ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી રીકવરી જોવાઈ હતી.

 • ગુરુવારે એફઆઈઆઈએ કુલ રૂપિયા 2297 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું
 • તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 2373 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
 • આજે સપ્તાહના છેલ્લા દિવસે વેચવાલી આવી હતી. તેજીવાળા ખેલાડીઓએ ઉભા લેણના પોટલા છોડ્યા હતા.
 • આજે ઓટોમોબાઈલ, બેંક, કેપિટલ ગુડઝ, એફએમસીજી, આઈટી, ટેકનોલોજી, પીએસયુ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના ઈન્ડેક્સ માઈનસ બંધ હતા.
 • જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ અને મેટલ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
 • ટાટા સ્ટીલનો ત્રીજા કવાર્ટરમાં નફો અંદાજે 5 ગણો વધી રૂપિયા 1136 કરોડ નોંધાયો છે. કુલ આવક 20.8 ટકા વધી રૂ.33,447 કરોડ થઈ છે.
 • ઈન્ડિયા સીમેન્ટનો નફો 56.9 ટકા ઘટી રૂ.15.2 કરોડ થયો
 • એચપીસીએલનો નફો 12.4 ટકા વધી રૂ.1950 કરોડ થયો અને કુલ આવક 20.9 ટકા વધી રૂ.57,474 કરોડ નોંધાઈ હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]