મંગળ ગ્રહની યાત્રા માર્કેટિંગનો નુસખો કે પછી…

લોન મસ્કનું ફાલ્કન હેવી રોકેટ અવકાશમાં ઊડી ગયું. હવે તેમાં રાખેલી કાર અને કારમાં બેઠેલું પૂતળું મંગળ ગ્રહ સુધી પહોંચવાના છે. બધું સમુંસૂતરું પાર પડ્યું છે. ત્રણ જુદા જુદા રોકેટ જોડવામાં આવ્યા હતા અને મિશન ઊડ્યું હતું. તેમાંથી બે રોકેટ જમીન પર પરત આવી ગયાં. ત્રીજું જે વચ્ચે હતું તે દરિયામાં ખોવાઈ ગયું છે. તેની શોધખોળ ચાલે છે. તે મળી જશે ત્યારે ફરી પ્રચારનો મારો દુનિયાભરમાં ચાલશે.

આ સફળ મિશનમાં પ્રચાર મુખ્ય લક્ષ્ય હોય એવું પણ લાગે છે. સૌથી શક્તિશાળી રોકેટ તરીકે ફાલ્કન હેવીને પ્રોજેક્ટ કરાયું. વાત તો સાચી છે – 64,000 કિલો વજન તે અવકાશમાં લઈ જઈ શકે છે. જોકે ચંદ્રયાત્રા માટે તૈયાર થયેલું સેટર્ન રોકેટ આનાથી પણ શક્તિશાળી હતું તેવા ખુલાસાના વિજ્ઞાનના જાણકારોએ કર્યા, પણ પ્રચારના મારામાં નાના નાના ખુલાસા રહી જતા હોય છે અને મોટા મોટા દાવા ચાલી જતા હોય છે.

એક દાવો છે મંગળ પર પહેલી વસાહત ઊભી કરવાનો. કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના એવી કહેવત હવે વપરાય તેવી નથી. 20મી સદી વિજ્ઞાનની સદી રહી છે. વધારે સ્પષ્ટપણે કહીએ તો ટેક્નોલોજીની સદી રહી છે. ગુરુત્વાકર્ષણ અને વીજળી જેવી મૂળભૂત શોધો અગાઉની સદીઓમાં થઈ ગઈ હતી, પણ મૂળભૂત શોધા પાયા પર પછી ફટાફટ ઇમારત ચણાવા લાગી છે. ડિજિટલ થયા પછી એ ટેક્નોલોજી હરણફાળ નહીં, પણ અવકાશફાળ ભરી રહી છે. તેથી મંગળ પર વસાહત થાય તો નવાઈ નહીં. ના પાડી શકાય નહીં.

પરંતુ ઇલોન મસ્કનું લક્ષ્ય મંગળ પર માણસને વસાવવા કરતાં કારને ડિજિટલ કરી દેવાનું વધારે છે. ઇલેક્ટ્રિક કાર તેનું લક્ષ્ય છે. તે પણ ડ્રાઇવર વિનાની. ફાલ્કન હેવી પ્રોજેક્ટમાં સૌથી વધુ પ્રચાર તેમાં મોકલવામાં આવેલી ઇલેક્ટ્રિક કારનો થયો છે. તે કારમાં એક પૂતળું બેસાડાયું હતું. તે પૂતળાને અવકાશયાત્રીઓ પહેરે તેવો સૂટ પહેરાવાયો છે. મંગળમાં માણસ જાય ત્યારે ઓક્સિજનના માસ્ક સહિત સમગ્ર શરીરને આવરણ નીચે રાખવું જરૂરી છે. એ પૂતળું આમ તો રોબો છે. રોબો કાર ચલાવશે એમ કહેવાય, પણ બીજી રીતે સ્વંય ચાલનારી કાર જ છે.

સ્વંયચાલિત કાર બનાવવા માટેનો ગૂગલનો પણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બીજી કંપનીઓ પણ તેમાં જોડાઈ છે અને જોરદાર હરીફાઇ ચાલી રહી છે. આ હરીફાઇમાં ઇલોન મસ્ક આગળ નીકળી જવા ધારે છે. તેમની કંપની ટેસ્લા ઇલેક્ટ્રિક કાર બનાવે છે. તેનું જ એક મોડેલ રોડસ્ટાર મંગળ માટે ફાલ્કન હેવી રોકેટમાં રવાના કરાયું છે. મસ્ક ભાવિ સ્ટીવ જોબ્સ, જેફ બેઝોસ અને બિલ ગેટ્સ બનવા માગે છે.

હવે પછીની ટેક્નોલોજીમાં બે બાબતો મુખ્ય રહેશે એમ જાણકારો કહે છે. સોલર પાવર અને ઇલેક્ટ્રિક વાહનો. ક્રૂડ ઓઇલ ખૂટી પડશે એવું કહેવાતું હતું, પણ નવા ભંડારો હજીય મળે છે. તેમ છતાં ક્રૂડથી લાંબું ચાલવાનું નથી તે નક્કી છે. બીજી મુશ્કેલી થઈ છે ફોસીલ ફ્યુઅલ, દહનયુક્ત ઇંધણથી થતા પ્રદૂષણની. આ પ્રદૂષણ લાંબો સમય સહન કરી શકાય તેમ નથી. આ શિયાળાની શરૂઆતમાં દિલ્હીમાં શું હાલત થઈ હતી તે આપણે જોયું છે. આવતા શિયાળે અમદાવાદમાં પણ એર પોલ્યૂશન દેખાઇ આવશે.

તે સંજોગોમાં ઇલેક્ટ્રિક વાહનો અનિવાર્ય બનવાના છે. દુનિયાભરની કાર ઉત્પાદક કંપનીઓ ઇલેક્ટ્રિક કારના પ્રોજેક્ટ્સમાં મચી પડી છે. તેમાં સૌથી આગળ નીકળી જવા માગે છે ઇલોન મસ્ક. ટેસ્લા કંપનીના એકથી વધુ વાહનો દોડવા પણ લાગ્યાં છે. તેમાં ચેલન્જ છે રેન્જ વધારવાની, બેટરીને હળવી અને પાવરફૂલ બનાવવાની અને રેસ કાર જેવી જ શક્તિશાળી કાર બનાવવાની. ટેસ્લા રેસકાર પણ બનાવી ચૂકી છે. કારની રેન્જ પણ વધી રહી છે. ભારતમાં ઘણા વર્ષોથી રેવા કાર દોડે છે. રેવા કંપનીને હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ટેકઓવર કરી છે. ટેકઓવર કર્યા પછી ભારતીયોને ફાવે તે રીતે ચાર દરવાજા સાથેની નવી રેવા ઇલેક્ટ્રિક કાર બજારમાં મૂકાઈ છે. તેની રેન્જ વધીને 80 કિલોમિટર સુધીની થઈ છે.

પણ એક શહેરથી બીજા શહેર જવા માટે પાંચસો કિલોમિટરથી વધારેની રેન્જ જોઈએ. અથવા તો બહુ ઝડપથી બેટરી ચાર્જ થઈ શકે તેવી વ્યવસ્થા હાઇવે પર થવી જોઈએ. એ કેવી રીતે થશે તેના પર પ્રયોગો ચાલી રહ્યા છે. બે દિશામાં પ્રયોગો ચાલી રહ્યા છે. એક તરફ બેટરીને પાવરફુલ બનાવવા પ્રયોગો થઈ રહ્યા છે, ત્યારે નોર્વે જેવા દેશોમાં રસ્તા પર ચાર્જ સ્ટેશનો ઊભા થાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

ઇલેક્ટ્રિક કારની ટેક્નોલોજી આમ સિમ્પલ છે – બેટરીથી મોટર ચાલે અને અવાજ-પ્રદૂષણ વિના વાહનવ્યવહાર થઈ શકે. નવાઈ લાગે તેવી વાત એ છે કે અમેરિકામાં કારનો ક્રેઝ શરૂ થયો ત્યારે ઇલેક્ટ્રિક કાર જ વધારે લોકપ્રિય હતી. તે પછી પેટ્રોલ-ડીઝલ એન્જિનો વધારે પાવરફુલ બનવા લાગ્યા, ઓઇલ સસ્તું હતું અને તેથી ઇલેક્ટ્રિક કારનો વિકાસ અટકી ગયો. ઇલોન મસ્ક હવે નવેસરથી શરૂ થયેલી રેસમાં સૌથી આગળ નીકળી જવા માગે છે. ઇલેક્ટ્રિક કાર અને તે પણ સેલ્ફ ડ્રિવન. આ ટેક્નોલોજી જે કંપની પરફેક્ટ તૈયાર કરી આપશે તે આગામી દાયકામાં દુનિયાની સૌથી મોટી કંપની હશે તે મસ્ક જાણે છે.

એમેઝોન જેવી ઓનલાઇન શોપિંગ કંપનીને પણ આવા પ્રોજેક્ટમાં રસ છે. એમેઝોન ડ્રોન દ્વારા ડિલિવરી કરવા માટેના સફળ પ્રયોગો કરી રહ્યું છે. એમેઝોને ડ્રાઇવર વિનાની ટ્રક તૈયાર કરી છે. તેના બહુ વિશાળ ગોડાઉનોમાં પણ રોબો વધારે હોય છે. એક ગોડાઉનથી બીજા ગોડાઉન સુધી ડ્રાઇવર વિનાની ટ્રક માલસામાન પહોંચાડે અને બીજા ગોડાઉનથી ડ્રાઇવર વિનાની નાની ડિલિવરી વાન શહેરની મધ્યમાં વસ્તુ આપી આવે તેવી યોજના છે.

ગૂગલ, એમેઝોન અને ઇલોન મસ્કની ટેસ્લા (અને ઓટો કંપનીઓ પણ ખરી) આ ત્રણેય વચ્ચે અત્યારે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. સૌથી હળવી અને સૌથી પાવરફુલ બેટરી બનાવવી, બેટરી બદલવાની અથવા તો તેને ઝડપથી ચાર્જ કરવાનો આઇડિયા શોધી કાઢવો, હાઇવે પર બેટરી બદલી શકાય કે ચાર્જ કરી શકાય તે માટેનો વ્યવહારુ ઉકેલ શોધી કાઢવો અને ડ્રાઇવર વિના જ વાહનો રાતદિવસ દોડતા રહે તેવી ટેક્નોલોજીની પેટન્ટ સૌથી પહેલી મેળવી લેવાની હોડ ચાલી છે. મંગળ યાત્રાનું પ્લાનિંગ તેની સાથે સીધી રીતે નથી જોડાયેલું, પણ ટેસ્લાને સૌથી જાણીતી કંપની બનાવવા માટે જરૂરી હાઇપ ઊભી કરવામાં તે બહુ ઉપયોગી છે તે ઇલોન મસ્ક જાણે છે. ઇલોનની યાત્રા અત્યારે તો મંગળમય ચાલી રહી છે. ચાંદ દેખાડવાની વાત જૂની થઈ ગઈ છે એટલે ઇલોન મસ્ક મંગળ દેખાડીને માર્કેટિંગ કરી રહ્યો છે. કંઈ ખોટું નથી, પણ મંગળયાત્રામાં માર્કેટિંગ પણ છે એ એક પોઇન્ટ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]