દાવોસઃ સ્વિટઝર્લેન્ડના દાવોસમાં થનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની બેઠકમાં ભારતની બોલબાલા હશે. આ બેઠક 23થી 25 મે દરમ્યાન થશે. કોરોના રોગચાળાના બે વર્ષ પછી WEFનું આયોજન થઈ રહ્યું છે. વેપાર અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલના નેતૃત્વમાં ભારતના દિગ્ગજોની એક મોટી ટીમ દાવોસ જઈ રહી છે, જેમાં આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા, પેટ્રોલિયમપ્રધાન હરદીપ સિંહ પુરી, છ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને અન્ય વરિષ્ઠ પ્રધાનો સામેલ છે. આ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા સામેલ છે. આ ઉપરાંત કેટલાક સિનિયર સરકારી અધિકારીઓ દાવોસ જઈ રહ્યા છે. આ ઉપરાંત દેશના ઉદ્યોગપતિઓની ટીમ – જેમાં હરિ એસ. ભરતિયા, અમિત કલ્યાણી, રાજન ભારતી મિત્તલ, રોની સ્ક્રૂવાલા અને સલિલ એસ પારેખ સામેલ છે. ભારતનો વિકાસ અને મૂડીરોકાણના સાનુકૂળ માહોલ વિશે વિશ્વની અન્ય કંપનીઓ, નેતાઓ અને અર્થશાસ્ત્રીઓને જણાવવામાં આવશે.
આ ઇવેન્ટ વૈશ્વિક અર્થતંત્રોને આકાર આપવામાં ભારતની મહત્ત્વની સ્થિતિને બતાવવામાં મદદ કરશે, એમ વેપાર અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું. ખાસ કરીને ત્યારે આવતા વર્ષે G-20 દેશોની અધ્યક્ષતા ભારત કરશે. કોરોના રોગચાળાના માર પછી ભારત વિશ્વમાં સૌથી ઝડપી ગ્રોથ કરતું અર્થતંત્ર છે.
સરકાર WEFમાં કેટલાંક વર્ષોમાં કરેલા આર્થિક સુધારા વિશે વિશ્વને જણાવશે, જેમાં વેપાર સુધારા, એનર્જી ટ્રાન્ઝિશન, ડિજિટલ ઇકોનોમી, નેશનલ મોનિટાઇઝેશન પાઇપલાઇન, સ્ટાર્ટઅપ્સ સહિત અનેક પહેલ આમાં સામેલ છે. કેન્દ્ર સરકારના પ્રધાનો અને રાજ્યોના પ્રધાનો રાજ્યોમાં ચાલી રહેલા પ્રોજેક્ટો વિશે અન્ય દેશોના નેતાઓને માહિતી આપશે.