પાકિસ્તાનનો પગ પર કૂહાડોઃ વેપાર સંબંધો તોડ્યા પછી વધી મુશ્કેલી

નવી દિલ્હી: ભારત સાથે વેપાર પર પ્રતિબંધ મૂકીને પાકિસ્તાન પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યુ છે. પાકિસ્તાન સરકારનો આ નિર્ણય ત્યાંની સામાન્ય પ્રજાના ખિસ્સા પર ભારે પડી રહ્યો છે. પાકિસ્તાનને કોટનની આયાત માટે વધુ કિંમત ચૂકવવી પડી રહી છે, કારણ કે, પાકિસ્તાન ભારત પાસેથી સસ્તુ કોટન નથી ખરીદી રહ્યુ. આ ઉપરાંત પાકિસ્તાનને દવાઓ અને આરોગ્ય ઉપકરણોની પણ ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાની મીડિયા ધ ન્યૂઝના એક રિપોર્ટમાં ગયા મહિને એ વાતને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, કોટન ઉત્પાદનમાં ઘટાડાને કારણે પાકિસ્તાનને ઘરેલુ માગની જરૂરીયાતને પૂરી કરવા માટે વિદેશમાંથી મોંઘુ કોટન આયાત કરવું પડી શકે છે. રિપોર્ટમાં પાકિસ્તાન કોટન જિનર્સ એસોસિએશન (પીસીજીએ)ના આંકડાઓનો ઉલ્લેખ કરતા ઉત્પાદનમાં 26.54 ટકાના ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં આ વર્ષે કોટનનું ઉત્પાદન ઓછૂ રહેવાની સાથે ભારતમાં કોટનનું ઉત્પાદન ગયા વર્ષ કરતા વધુ થવાનો અંદાજ છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના તાજેતરના અનુમાન અનુસાર, ભારતમાં આ વર્ષે કોટનનું ઉત્પાદન 354 લાખ ગાંસડી રહેશે. ગયા વર્ષે આ ઉત્પાદન 312 લાખ ગાંસડી હતું.

પડોશી દેશ હોવાને કારણે પાકિસ્તાનને ભારતમાંથી આયાત કરવા માટે પરિવહન ખર્ચ (ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ) ઓછો લાગે છે. પણ આ વર્ષે બંન્ને દેશો વચ્ચે વેપાર બંધ હોવાથી પાકિસ્તાન ભારત પાસેથી કોટન નથી ખરીદી રહ્યુ. ભારતીય કોટનનો ભાવ અત્યારે અંદાજે 69 સેન્ટ પ્રતિ પાઉન્ડ છે જ્યારે આંતરાષ્ટ્રીય બજારમાં કોટનનો ભાવ 74 સેંટ પ્રતિ પાઉન્ડ છે. આ જોતા પાકિસ્તાનને ભારતમાંથી કોટનની આયાત કરવી અન્ય દેશ કરતા સસ્તી પડે છે.

ભારતીય વેપારીઓ અનુસાર જો પાકિસ્તાન ફરી વખત ભારત સાથે વેપાર શરુ કરે તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તે ભારત પાસેથી વધુ કોટન ખરીદી શકે છે કારણ કે, પાકિસ્તાનમાં આ વર્ષે કોટનનું ઉત્પાન ઓછુ રહેવાનું અનુમાન છે. અમેરિકન એજન્સી યૂએસડીએના તાજેતરના અહેવાલ અનુસાર, પાકિસ્તાનમાં ચાલુ વર્ષે કોટનનું ઉત્પાદન 89.9 લાખ ગાંસડી રહેવાનું અનુમાન છે, જે ગયા વર્ષ કરતા 8 ટકા ઓછું છે. યૂએસડીએ અનુસાર, પાકિસ્તાનમાં આ વર્ષે કોટનનો વપરાશ 197.2 લાખ ગાંસડી રહી શકે છે અને તેને વપરાશને પહોંચી વળવા માટે 46.2 લાખ ગાંસડીની આયાત કરવી પડી શકે છે.

જમ્મુ-કશ્મીરને વિશેષ રાજ્યો દરજ્જો આપતા આર્ટિકલ 370ને ભારતા દ્વારા દૂર કરાયા પછી પાકિસ્તાને સત્તાવાર રીતે ભારત સાથે વ્યાપારીક સંબંધો તોડી નાખ્યા છે જેના કારણે પાકિસ્તાની વેપારીઓ ભારતમાંથી સસ્તા ભાવનું કોટન ખરીદી નથી શકતા.