મુંબઈઃ રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણને વધુ સરળ બનાવે એવી ‘ઓનલાઇન ATM’ની સુવિધાનો આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પ્રારંભ થઈ રહ્યો છે. કંપનીએ ફિનટેક ક્ષેત્રની ‘રેડવિઝન’ સાથે સહયોગ સાધીને આ સુવિધા આપવાનું નક્કી કર્યું છે. ઘણા લોકો રોકાણ કરવાને બદલે મોટી રકમ સેવિંગ્સ બેન્ક ખાતામાં રહેવા દે છે. આવા લોકોને રોકાણ અને સાથે-સાથે તત્કાળ નાણાકીય પ્રવાહિતા પૂરી પાડવાના ઉદ્દેશથી ઓનલાઇન ATMની સુવિધા આપવામાં આવી છે.
આ યોજના હેઠળ આદિત્ય બિરલા સનલાઇફ લિક્વિડ ફંડના રોકાણકારો પોતાના મૂડીરોકાણનું તત્કાળ રિડમ્પશન કરાવીને ખાતામાં નાણાં પ્રાપ્ત કરી શકશે. આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડે જણાવ્યા મુજબ રોકાણકારો દર મહિને લિક્વિડ ફંડમાં પોતાની બચતનું રોકાણ કરી શકશે. રિડમ્પશનમાં તેમને તત્કાળ મહત્તમ 50,000 રૂપિયા પ્રાપ્ત થઈ શકશે.
મ્યુચ્યુઅલ ફંડના ડિસ્ટ્રિબ્યુટર પોતાના નવા ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરી શકે અને રોકાણકારોને પણ સહેલું પડે એવી આ સુવિધા છે.