આ ડ્રાયવર્સને લાયસન્સ મેળવવા માટે 8 પાસ હોવું જરૂરી નથી, શરત દૂર કરાઈ

0
823

નવી દિલ્હી– આર્થિક રીતે નબળાં પરંતુ સ્કિલ્ડ ડ્રાઈવરો માટે હવે આઠમું ધોરણ પાસ હોવું જરૂરી નથી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કોમર્શિયલ વાહનોના ચાલકો માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાતની શરતને દૂર કરી છે. હવે તેમને લાયસન્સ માટે 8 ધોરણ પાસ હોવું પણ જરૂરી નહીં રહે. પરંતુ આમા સરકારે સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવાની પણ વ્યવસ્થા કરી છે.

સમાજના આર્થિક રીતે નબળાં વર્ગના કુશળ વ્યક્તિઓને ફાયદો પહોંચાડવાને હેતુથી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, કેન્દ્રીય મોટર વાહન નિયમ, 1989ના નિયમ 8 હેઠળ ડ્રાઈવરોએ ઓછામાં ઓછો ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.

દેશમાં ખાસ કરીને ગામડાઓમાં મોટી સંખ્યામાં આવા બેરોજગારો છે જેમની પાસે ડિગ્રીઓ નથી. આ લોકો ઔપચારિક રીતે શિક્ષિત ન હોવા છતાં સાક્ષર અને કુશળ હોય છે. મંત્રાલયની પહેલથી તેમને રોજગારની નવી તક મળશે. માર્ગ પરિવહન મંત્રાલયે હાલમાં જ મળેલી બેઠકનો હવાલો આપતા કહ્યું કે, હરિયાણા સરકારે આર્થિક રીતે નબળાં મેવાત વિસ્તારોના ડ્રાઈવરો માટે શૈક્ષણિક લાયકાતની શરતને દૂર કરવાનો અનુરોધ કર્યો હતો. આ એવા વિસ્તારો છે જ્યાં ઓછી આવક ધરાવતા મોટા ભાગના લોકોનો જીવનનિર્વાહ ડ્રાઈવિંગ પર નિર્ભર છે.

સરકારનો આ નિર્ણય ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં લગભગ 22 લાખ ડ્રાઈવરોની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરશે. નવા ફેરફારની સાથે મંત્રાલયે ડ્રાઈવરોને પ્રશિક્ષણ અને સ્કિલ ડેવલપ કરવા પર પણ ભાર મુક્યો છે જેથી કોઈ પણ પ્રકારે માર્ગ સલામતીમાં ચૂક ન થાય.

લાયસન્સ મેળવવાની પ્રથમ શરત એ હશે કે, ડ્રાઈવરનું સાક્ષર હોવું જરૂરી હશે. પરિવહન વિભાગની સ્કુલ એવું લખીને આપશે કે, ડ્રાઈવર સંકેતો વાંચી શકે છે. તમામ લોજિસ્ટિકને પણ સમજી શકે છે. મહત્વનું છે કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ઉપરોક્ત અવલોકનમાં કેન્દ્રીય મોટર વાહન 1989ના નિયમ 8માં સંશોધનની પ્રક્રિયા શરુ કરી છે અને આ મામલે ડ્રાફ્ટ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.