જિયો કરશે રૂ. 20 હજાર કરોડનું મૂડીરોકાણ

મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની ટેલિકોમ કંપની જિયોમાં રૂ. 20 હજાર કરોડનું મૂડીરોકાણ કરવાનો નિર્ણય લીધો છે. એને કારણે બ્રોડબેન્ડ અને ઈ-કોમર્સ ક્ષેત્રોમાં સ્પર્ધા વધુ તીવ્ર બનશે.

મોબાઈલ ટેલિફોની માર્કેટ શેરમાં જિયો હાલ બીજા નંબરે છે. પહેલા નંબરે વોડાફોન આઈડિયા છે, પણ હવે RIL નવી મૂડી લાવશે એટલે વોડાફોન આઈડિયા સામે પડકાર ઊભો થશે.

રિલાયન્સ જિયો 5G સેવામાં પણ ઝંપલાવવાની છે. એ માટેની અજમાયશો આગામી બે મહિનામાં શરૂ થવાની ધારણા છે.

રિલાયન્સ જિયો 4 અબજ નોન-ક્યૂમ્યુલિટીવ ઓપ્શનલી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર ઈસ્યૂ કરવાની છે, જે પ્રત્યેક રૂ. 50ના ભાવે મળશે.

એના મારફત જે મૂડી એકઠી થશે એનો ઉપયોગ રિલાયન્સ જિયોની બ્રોડબેન્ડ અને ઈ-કોમર્સ કામગીરીઓનાં વિસ્તરણ માટે કરવામાં આવશે. નોન-ક્યૂમ્યુલિટીવ ઓપ્શનલી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેરમાં 9 ટકા વ્યાજ ચૂકવવામાં આવશે.

ગઈ 31 માર્ચના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડની અસાધારણ જવાબદારી અંદાજે રૂ. 2.87 લાખ કરોડ હતી. જિયોમાં મૂડીરોકાણ કરવાને લીધે જ આ આંકડામાં આ વર્ષે રૂ. 69,000 કરોડનો વધારો થયો છે. 31 માર્ચના રોજ RILનું કેશ રિઝર્વ્સ આશરે રૂ. 1.33 લાખ કરોડ હતું.

જિયો આર્થિક બોજની તેની સમસ્યાનો સામનો કરવા માટે બહારથી ઈન્વેસ્ટમેન્ટ માટે પણ આમંત્રણ આપશે. એ વ્યવસ્થાથી જિયોને તેનું દેવું ઘટાડવામાં મદદ મળશે.

જિયોને લોન્ચ કરાયાને હજી માંડ ત્રણ વર્ષ જ થયા છે અને એણે 30 કરોડ 67 લાખ ધારકો હાંસલ કરી લીધા છે અને રેવેન્યૂ માર્કેટમાં શેર 31.7 ટકા મેળવી લીધો છે. એની સામે વોડાફોન આઈડિયાનો શેર 32.2 ટકા છે અને એરટેલનો 27.3 ટકા છે.

જિયોની મદદથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ભારતમાં બ્રોડબેન્ડ સેવાનું ચિત્ર સમગ્ર રીતે બદલી નાખવું છે. જિયો દ્વારા એકદમ ઓછી કિંમતે મોબાઈલ ઈન્ટરનેટ સેવા પૂરી પાડીને ધૂમ મચાવી દેનાર RIL હવે જિયો ગીગા ફાઈબર લાવી રહી છે. તે ફાઈબર-ટુ-ધ-હોમ બ્રોડબેન્ડ એટલે કે FTTH ટેક્નોલોજીથી સજ્જ હશે. એને લીધે ગ્રાહકને ઘર અને ઓફિસમાં બેઠા બેઠા 1Gbpsની સ્પીડ એટલે કે 1000 Mbps મળશે.