હવે તમામ કો-ઓપરેટિવ, મલ્ટી-સ્ટેટ બેન્કો રિઝર્વ બેન્કના અંકુશમાં

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાઈ ગયેલી પ્રધાનમંડળની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે બેન્કિંગ ક્ષેત્રને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે વટહુકમ બહાર પાડીને દેશમાં તમામ 1540 કો-ઓપરેટિવ અને મલ્ટી-સ્ટેટ બેન્કોને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના અંકુશમાં મૂકી દીધી છે. આનાથી આઠ કરોડ 60 લાખ ખાતાધારકોની જમા રકમ સુરક્ષિત થશે.

જાવડેકરે કહ્યું હતું કે દેશમાં 1482 અર્બન કો-ઓપરેટિવ બેન્કો છે અને 58 મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કો છે, એને લઈને વટહુકમ લાવવામાં આવ્યો છે જેને લીધે આ બધી બેન્કો રિઝર્વ બેન્કના નિરીક્ષણ હેઠળ આવી જશે. બધા બેન્કિંગ નિયમ આ કો-ઓપરેટિવ બેન્કોને પણ લાગુ થશે. એનો લાભ એ થશે કે ડિપોઝિટરને વિશ્વાસ બેસશે કે એના પૈસા તેની બેન્કમાં સુરક્ષિત છે. 1540 બેન્કોમાં આઠ કરોડ 60 લાખ ખાતેદારો છે, તેમના રૂ. 4.84 લાખ કરોડ જમા છે. આ પૈસા હવે સુરક્ષિત થશે. રિસ્ટ્રક્ચરિંગના સમયે લોકોને ડર લાગે છે, જે આપણે અગાઉ કેટલાક મામલામાં જોયું, પણ હવે એવું નહીં થાય.

જાવડેકરે કહ્યું હતું કે મુદ્રા લોન યોજના હેઠળ શિશુ મુદ્રા લોન લેનારા 9.37 કરોડ લોકોને વ્યાજમાં બે ટકાની છૂટ મળશે. ફેરિયા અને રેલવેના પાટા નજીક બેસતા ફેરિયા અથવા નાના દુકાનદારો મુદ્રા યોજનાથી પહેલાં શાહુકારોથી પૈસા લે છે. તેમણે બહુ વ્યાજ ચૂકવવું પડતું હતું. હવે તેમને બેન્કો પાસેથી પૈસા મળે છે. તેમને હવે બે ટકાની છૂટ મળશે. નાના માણસને મોટો લાભ આપતી આ યોજના છે. 1 જૂન, 2020થી એ યોજના લાગુ થઈ છે અને 31 મે, 2021 સુધી ચાલશે. આના માટે આ વર્ષમાં રૂ. 1540 કરોડ ખર્ચ કરવામાં આવશે.

કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

પ્રધાને કેબિનેટના નિર્ણયની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે કુશીનગર બુદ્ધ સર્કિટનું કેન્દ્ર છે. ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ નહોતું. હવે કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે. ત્યાં ત્રણ કિલોમીટરની એર સ્ટ્રિપ બની ચૂકી છે. હવે એરબસ જેવું જહાજ ઊતરી શકે છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થવાની સાથે અહીં ફ્લાઇટ્સ આવવા લાગશે. અહીથી બુદ્ધિસ્ટ સર્કિટમાં જનારા લોકોને બહુ લાભ થશે.

ઓબીસી સમાજ માટે મોટ નિર્ણય

ઓબીસી સમાજ માટે મોટો નિર્ણય લીધો છે. એક ઓબીસી કમિશનની રચના થઈ છે, જેનું કામ એ જોવાનું છે કે મિરા આરક્ષણ બધા સુધી પહોંચ્યું શું? નહીં તો શું કરવું જોઈએ? વધુ ને વધુ લોકોને લાભ કેવી રીતે મળશે, એના વિશે ચિંતન કરતાં આ કમિશન ભલામણો આપશે. આ કામ શરૂ થઈ ગયું છે, પણ ત્યાર બાદ એની ટર્મ ઓફ રેફરન્સ બદલવામાં આવશે, કેમ કે એ સમયે જ ધ્યાનમાં આવ્યું હતું કે કેટલીય જાતિઓ- કેટલાંક રાજ્યોમાં સ્પેલિંગમાં નાનકડા ફેરફારને કારણે એ જાતિઓ આરક્ષણથી વંચિત રહી જાય છે. એટલા માટે એને દૂર કરવાનું કામ ઓબીસી કમિશનને સોંપાયું છે, વચ્ચે સંકટ આવવાને કારણે કામમાં મોડું થયું છે. સરકારે આ માટે રિપોર્ટ આપવાનો સમયગાળો 21 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]