નવી દિલ્હીઃ કેન્દ્રના નાણાં મંત્રાલયે આજે સંસદને જાણકારી આપી હતી કે પેટ્રોલ અને ડિઝલને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના દાયરા હેઠળ લાવવાની કોઈ ભલામણ તેને મળી નથી. નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સીજીએસટી એક્ટની કલમ 9(2) અનુસાર, આ બંને ઈંધણને જીએસટીના દાયરામાં લાવવા માટે જીએસટી કાઉન્સિલની ભલામણની જરૂર પડે. હજી સુધી, જીએસટી કાઉન્સિલ તરફથી એવી કોઈ ભલામણ કરવામાં આવી નથી.
ઠાકુરે એમ પણ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનો પર કોઈ નવો વેરો/સેસ લાદવાની સરકારની કોઈ યોજના નથી. હાલ પેટ્રોલ અને ડિઝલ પર રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લેવામાં આવે છે. તે ઉપરાંત વિશેષ અધિક આબકારી જકાત (એક્સાઈઝ ડ્યૂટી) અને એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) લાદવામાં આવે છે. વધુમાં, બેઝિક આબકારી જકાત પણ લાદવામાં આવે છે.