કપરા કાળમાં પણ કંપનીમાં હિસ્સો વધારતા પ્રમોટર્સ

મુંબઈઃ આશરે ત્રણ ડઝન મિડકેપ કંપનીઓના પ્રમોટર્સે પોતાના હિસ્સામાં વધારો કર્યો છે. તેમણે ઓપન માર્કેટમાંથી કંપનીમાંનો પોતાનો હિસ્સો વધાર્યો છે, જે આર્થિક રિકવરીમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. જ્યારે કંપનીઓમાં પ્રમોટર્સ અને સંસ્થાપક હિસ્સો વધારે છે તો એને કંપનીના ગ્રોથ તરીકે જોવામાં આવે છે. આ યાદીમાં આદિત્ય બિરલા કેપિટલ, ગેબ્રિયલ ઇન્ડિયા, પોલિપ્લેક્સ કોર્પોરેશન, મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ, એલેમ્બિક ફાર્મા, વર્ધમાન ટેક્સટાઇલ્સ અને માસ્ટેક સામેલ છે. કંપનીઓના પ્રમોટર્સને તેમનાં કામકાજની સૌથી વધુ માહિતી હોવાથી તેમણે કામકાજ વધતાં ઈક્વિટી હિસ્સો વધાર્યો હતો.

કુમાર મંગલમ બિરલાની કંપની આઇડીએચ હોલ્ડિંગ્સે 26 ફેબ્રુઆરીએ રૂ. 74 કરોડમાં આદિત્ય બિરલા કેપિટલના 6.2 લાખ શેરો ખરીદ્યા હતા. જેથી એક મહિનામાં આ શેર 38 ટકા વધ્યો હતો. બેન્ક ઓફ અમેરિકી સિક્યોરિટીઝે કહ્યું હતું કે આગામી બે વર્ષમાં કંપનીનો નફો બેગણો વધ્યો હતો.

આ જ રીતે ઓટો સસ્પેશન કંપની ગેબ્રિયલ ઇન્ડિયાના પ્રમોટરોએ ખુલ્લા બજારમાં કંપનીના 31 લાખ શેર ખરીદ્યા છે. કપરા કાળમાં પણ કંપનીના પ્રમોટર્સ પોતાનો હિસ્સો વધારી રહ્યા છે, જે તેમના વેપાર-વ્યવસાયની વૃદ્ધિને દર્શાવે છે. એલેમ્બિક ફાર્માના પ્રમોટર્સએ પણ બે ત્રિમાસિકમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. વર્ધમાન ટેક્સટાઇલ્સે પણ ઓપન માર્કેટમાં શેર ખરીદીને પોતાના હિસ્સામાં વધારો કર્યો હતો. મોતીલાલ ઓસવાલના પ્રમોટર્સે પોતાના હિસ્સામાં વધારો કર્યો હતો.