NSEL-કેસઃ નાના દાવેદારોને નાણાં ચૂકવવાનો હાઈકોર્ટનો આદેશ

મુંબઈઃ વર્ષ 2013માં બહાર આવેલા નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ના પૅમેન્ટ કટોકટીના કેસમાં ફરી એક વાર લેણદારોનાં નાણાં ચૂકવણીની પ્રક્રિયામાં અવરોધ ઊભો થયો છે. નોંધનીય છે કે રોકાણકારોના તારણહાર હોવાનો દાવો કરનારા સંગઠને જ આ અવરોધ ઊભો કર્યો છે.

ઉક્ત કેસમાં 2થી 10 લાખ રૂપિયા સુધીની લેણી રકમ ધરાવતા દાવેદારોને એસ્ક્રો અકાઉન્ટમાંથી તાત્કાલિક ધોરણે નાણાંની ચૂકવણી કરવી એવો આદેશ મુંબઈ વડી અદાલતે સોમવારે સક્ષમ સત્તા (કોમ્પીટન્ટ ઑથોરિટી)ને આપ્યો હતો. જોકે, એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ઍક્શન ગ્રુપે (એનઆઇએજી) આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકારવાની અપીલ કરવાનો નિર્ણય લીધો હોવાથી ઉક્ત વડી અદાલતે એને બે સપ્તાહનો સમય આપીને આદેશનો અમલ મોકૂફ રાખ્યો છે. આ બાબતે જાણકારોમાં આશ્ચર્ય ફેલાયું છે.

એનએસઈએલે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ એક્સચેન્જ નાના દાવેદારોને એમની લેણી રકમ ચૂકવવા માટે પહેલેથી જ માગણી કરી રહ્યું છે. તેણે પૅરન્ટ કંપની 63 મૂન્સ ટેક્નૉલૉજીસ પાસેથી લોન લઈને 2 લાખ રૂપિયા સુધીની રકમના દાવેદારોને 100 ટકા તથા 10 લાખ સુધીની રકમના દાવેદારોને 50 ટકા રકમ ચૂકવી પણ દીધી છે. આમ છતાં, વેપારીઓનાં સંગઠન તરીકેનો દાવો કરનારાં એનઆઇએજી (એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ઍક્શન ગ્રુપ), નારા (એનએસઈએલ એગ્રીવ્ડ ઍન્ડ રિકવરી એસોસિયેશન) અને એનઆઇએફ (એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ફોરમ) દ્વારા આ પ્રક્રિયામાં સતત અવરોધ ઊભો કરવામાં આવ્યો છે.

સોમવારે મુંબઈ વડી અદાલતના ન્યાયમૂર્તિઓ – એસ. એસ. શિંદે અને મનીષ પિતળેની બનેલી બેન્ચે એનએસઈએલના દાવેદાર રબીબાઈ મહમ્મદ ઇસ્માઇલની અરજીની સુનાવણી કરી હતી. સુનાવણી બાદ બેન્ચે આદેશ આપ્યો હતો કે નાના દાવેદારોને તાત્કાલિક ધોરણે રકમ ચૂકવી દેવા માટે કોમ્પિટન્ટ ઑથોરિટીએ એસ્ક્રો અકાઉન્ટમાં પડેલાં નાણાંનો ઉપયોગ કરવો. કેતન શાહે આ આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકારવાનો નિર્ણય લીધો હોવાથી સમગ્ર પ્રક્રિયા ફરી અટકી પડી છે. વડી અદાલતે એનઆઇએજીને બે સપ્તાહથી વધુ સમય નહીં આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

આ બાબતે એનએસઈએલે કહ્યું છે કે એનઆઇએજી અને કેતન શાહે અપનાવેલા વલણ પરથી સ્પષ્ટ થાય છે કે એનઆઇએજીએ વગોવાયેલા બ્રોકરોની સાથે સાંઠગાંઠ કરીને ન્યાયની પ્રક્રિયાને ખોરવી નાખવાનો પ્રયાસ કર્યો છે, તેમણે તપાસને ગેરમાર્ગે દોરી છે અને નાણાંની ચૂકવણીની પ્રક્રિયામાં અવરોધ નાખ્યો છે.

વડી અદાલતનો આદેશ એનએસઈએલના કથિત 13,000 દાવેદારોમાંથી 6,445 નાના દાવેદારોની તરફેણમાં હતો, પરંતુ એ આદેશને પડકારવામાં આવ્યો છે. કેતન શાહ ખરેખર કોનાં હિતનું રક્ષણ કરી રહ્યો છે એવો સવાલ એનએસઈએલે ઊભો કર્યો છે.

એક્સચેન્જના પ્રવક્તાએ જણાવ્યા મુજબ એસ્ક્રો અકાઉન્ટમાં પડેલા 250 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે તો આશરે 6,445 દાવેદારોને એમનાં બધાં લેણાં મળી શકે છે. કેતન શાહ અને એનઆઇએજીએ નાના દાવેદારોને મદદરૂપ થવાના ઓઠા હેઠળ સરકારને તથા તપાસનીશ ઍજન્સીઓને ગેરમાર્ગે દોરી છે.