નવી દિલ્હીઃ ટૂ-વ્હીલર વાહન ન તો લક્ઝરી છે અને ન તો પાપનો સામાન છે અને એટલા માટે GSTના દરોમાં સંશોધન કરવામાં આવશે, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના સાથેના સંવાદમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે GST કાઉન્સિલ દ્વારા દર સંશોધન દરખાસ્ત (રેટ રિવિઝન પ્રપોઝલ) લાવવામાં આવશે. ટૂ વ્હીલર્સ વાહનો પર હાલમાં 28 ટકા GST લાગે છે.
ટૂ વ્હીલર્સ વાહનો પર GSTના દરોને ઓછા કરવાની આવશ્યકતા વિશેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે એ એક સારો પ્રસ્તાવ છે, કેમ કે આ શ્રેણી લક્ઝરી નથી કે નથી પાપ અને એટલા માટે દરમાં સંશોધન કરવામાં આવશે. આ પ્રસ્તાવ મુદ્દે GST કાઉન્સિલમાં વિચારવિમર્શ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
ગયા વર્ષે દેશની સૌથી મોટી ટૂ વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પે સરકારને GST દરોમાં તબક્કાવાર ઘટાડો કરવાનો આગ્રહ કર્યો હતો. જેની શરૂઆત 150CC થી 18 ટકાના સ્લેબમાં બાઇક લાવવાથી થઈ હતી.
AMRG એન્ડ એસોસિયેટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને કહ્યું હતું કે મોટરસાઇકલ, મોપેડ અને ઓક્સિલરી મોટર લાગેલી સાઇકલ પર સૌથી ઊંચી 28 ટકાના દરે GST લગાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે દેશના લાખ્ખો મધ્યમ વર્ગના પરિવારો માટે ટૂ વ્હીલર જરૂરિયાત બની ગયાં છે, પણ GSTને મામલે એને પણ તંબાકુ, સિગારેટ, પિસ્તોલ જેવી લક્ઝરી ચીજવસ્તુઓની કેટેગરીમાં રાખવામાં આવી છે.