ઈસરોની નવી રાહ: 5 PSLV બનાવવા માટે ખાનગી કંપનીઓને નિમંત્રી

0
1205

નવી દિલ્હી-ભારતીય અવકાશ સંસ્થા ઈસરોની દિનોદિન વધતી શાખ અને સિદ્ધિઓની વાતો દુનિયાભરમાં ચંદ્રયાન-2ના સફળ લોન્ચને લઇને થઈ જ રહી છે, તેવામાં બહાર આવેલા આ સત્તાવાર સમાચારે વધુ એકવાર એક મોટા વર્ગનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ‘મેક ઈન ઈન્ડિયા’ ની સાથે હવે ઈસરોએ ભારતીય કંપનીઓને 5 પોલર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ્સ (PSLV) બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.

આ જાણકારીની પુષ્ટી કરતા ઈસરોના અધ્યક્ષ કે સિવને કહ્યું કે, અમે આના ઈઓઆઈ (એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ) કહી રહ્યાં છીએ આ કોઈ વિદેશી કંપનીઓ માટે નહીં હોય. ઈસરો આ મુદ્દે વિચાર કરી રહ્યું છે, અમને લાગે છે કે, આના કારણે સરકારની મેક ઈન ઈન્ડિયા પહેલને પ્રોત્સાહન મળશે.

હાલમાં જ ઈસરોના 50 વર્ષ પૂર્ણ થયાં છે. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (VSSC)ના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, એક સંપૂર્ણ ઈન્ટિગ્રેટેડ પીએસએલવી લોન્ચ વ્હિકલની કિંમત 200 કરોડ રૂપિયા જેટલી હોય છે.

જોકે, કે સિવને PSLVની કિંમતને લઈને કોઈ પણ સ્પષ્ટતા નથી કરી. એજન્સીની નવી શાખા ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSLI) પર ટેક્નોલોજીના હસ્તાંતરની જવાબદારી છે. આ ઉપરાત એનએસએલઆઈની જવાબદારી ઈસરોના અનુસંધાન અને વિકાસની ગતિવિધિઓને આગળ ધપાવવાની પણ છે. મળતી માહિતી મુજબ આ કંપની ઈસરોના પીએસએલવી ના નિર્માણ અને લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (એસએસએલવી)ની જવાબદારી સંભાળશે.