અમદાવાદઃ મંગળવારે ચૂંટણી પરિણામોને પગલે શેરબજારમાં થયેલા બ્લડબાથ પછી બુધવારે ઘરેલુ શેરબજારો ફરી તેજીને પંથે હતાં. કેન્દ્રમાં ફરી એક વાર મોદીની આગેવાની હેઠળ NDA સરકાર બનવાનાં એંધાણે રોકાણકારોએ પસંદગીના શેરોમાં લેવાલી કાઢી હતી. જેથી BSE સેન્સેક્સ 2303 પોઇન્ટ ઊછળી 74,382ના મથાળે બંધ થયો હતો અને NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 736 પોઇન્ટની તેજી સાથે 22,620ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 4.5 ટકા અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ ચાર ટકા વધ્યા હતા.
ઘરેલુ શેરબજારમાં નીચલા સ્તરેથી રોકાણકારોએ નવી ખરીદી કાઢી હતી, જેથી સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ ટકા વધ્યા હતા. મેટલ, ઓટો, બેન્કિંગ શેરોમાં સારીએવી લેવાલી જોવા મળી હતી. FMCG ઇન્ડેક્સ ચાર ટકાથી વધુ વધ્યો હતો, જ્યારે ફાર્મા, એનર્જી ઇન્ડેક્સ આશરે ત્રણ ટકાની તેજી થઈ હતી.
બજારના નિષ્ણાતોએ કહ્યું હતું કે કેન્દ્રમાં સરકારની કેબિનેટમાં કોણ હશે અને કયા ખાતા કોની પાસે રહેશે, એ જ્યાં સુધી નક્કી નહીં થાય, ત્યાં સુધી શેરબજારનું સેન્ટિમેન્ટ બેતરફી રહેવાની ધારણા છે. બજારમાં રોકાણકારોએ દરેક ઊંચા મથાળે સાવચેતીનું વલણ અપનાવતાં પ્રોફિટ બુકિંગનું વલણ અપનાવશે અને કેન્દ્રમાં રાજકીય સ્થિરતા વધશે તેમ-તેમ શેરોમાં તેજીની આગેકૂચ થશે. રોકાણકારોનું માનવું છે કે ભાજપની આગેવાની સરકાર રચાશે તો અર્થતંત્રમાં તેજી આવશે.
ઇન્ડિયા VIX આશરે 28 ટકા તૂટ્યો
શેરબજારમાં ગઈ કાલનો ઘટાડો પચાવી તેજી થઈ હતી, જેથી ઇન્ડિયા VIXમાં આશરે 28 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. BSEના બધા સેક્ટરના શેરો તેજીમાં હતા.