અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજનામાં બુલેટ ઝડપે ચાલી રહ્યું છે કાર્ય

મુંબઈઃ દેશની પહેલી બુલેટ ટ્રેન યોજના – મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરમાં કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. યોજનામાં, 100 કિલોમીટરના અંતરમાં આવતા અનેક પૂલનું બાંધકામ પૂરું થતાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. 40 મીટર લાંબા ફૂલ સ્પેન બોક્સ ગર્ડર્સ અને સેગમેન્ટલ ગર્ડર્સ બેસાડવાનું કામ પૂરું થયું છે. ફૂલ સ્પેન લોન્ચિંગ ટેકનિકને કારણે બાંધકામ પ્રક્રિયા 10 ગણી ઝડપી બની શકી છે. મેટ્રો રેલવે યોજનાઓમાં વાયડક્ટ્સ (પૂલ) બાંધવા માટે પરંપરાગત સ્પેન-બાય-સ્પેન પ્રક્રિયાનો ઉપયોગ કરાયો હતો.

આ પૂલ ગુજરાતમાં છ નદીઓ – પાર, પૂર્ણા, મીંઢોળા, અંબિકા, ઔરંગા અને વેંગણિયા પર બાંધવામાં આવ્યા છે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ કામગીરીની એક વીડિયો ક્લિપ X (ટ્વિટર) પર શેર કરીને કામકાજ વિશે અપડેટ આપ્યું છે. એની સાથે તેમણે લખ્યું છે: ‘21મી નવેમ્બર, 2023 સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિઃ 251.40 કિલોમીટરમાં પિલર્સ બેસાડવામાં આવ્યા છે. એલિવેટેડ સુપર-સ્ટ્રક્ચર થયું છે 103.24 કિ.મી.માં.’