આખા યૂરોપમાં એમેઝોન વિરુદ્ધ હડતાળ-વિરોધ; ‘બ્લેક ફ્રાઈડે’ના દિવસે કંપનીનો ધંધો ઠપ

લંડનઃ અમેરિકાની ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની એમેઝોન તેના કર્મચારીઓનો પગાર વધારે એવી માગણીના ટેકામાં આજે આખા યૂરોપમાં કંપનીની કાર્યપદ્ધતિ સામે વિરોધ થયો છે. ગ્રાહકો દ્વારા તેની સેવાનો બહિષ્કાર કરાયો છે અને કંપનીના કર્મચારીઓ હડતાળ પર ગયા છે. યૂએનઆઈ ગ્લોબલ યૂનિયન દ્વારા એક સંકલિત ઝુંબેશ આદરવામાં આવી છે – ‘મેક એમેઝોન પે’ આ પ્રચાર અંતર્ગત યૂરોપના 30થી વધારે દેશોમાં હડતાળ અને વિરોધ થઈ રહ્યો છે. અમેરિકામાં ગઈ કાલે ‘રાષ્ટ્રીય થેંક્સગિવિંગ હોલીડે’ની ઉજવણી કરવામાં આવી હતી, પણ આજે આખા યૂરોપમાં એમેઝોન વિરુદ્ધ બ્લેક ફ્રાઈડે મનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે, થેંક્સગિવિંગ હોલીડેને કારણે તો ગ્રાહકો વધારે ખરીદી કરતા હોય છે અને તે મૂડ અઠવાડિયા સુધી ચાલતો હોય છે. આને કારણે ઘણા રીટેલરો વેચાણ વધારવા માટે કિંમતમાં કાપ મૂકતા હોય છે. અમેરિકામાં તો મોટા સ્ટોર્સમાં ગ્રાહકોની ભીડ જામતી હોય છે, લાંબી લાઈનો લાગતી હોય છે.

અહેવાલો અનુસાર, જર્મનીમાં એમેઝોનના આશરે 750 કર્મચારીઓ પગારવધારાની માગણી માટે એક દિવસની હડતાળ પર ઉતરી ગયા છે. બ્રિટનના કોવેન્ટ્રીમાં એમેઝોનના વેરહાઉસ ખાતે 200 કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. ફ્રાન્સમાં પણ એમેઝોનના ધંધાને માઠી અસર પડી છે. ઈટાલીમાં પણ કામદારોના સંગઠને બ્લેક ફ્રાઈડે મનાવવાનું નક્કી કર્યું છે. સ્પેનમાં કામદારોના યૂનિયને એમેઝોનના દસ દિવસના વેચાણના આખરી દિવસ, સોમવારે કંપનીના વેરહાઉસ અને ડિલિવરી કામદારો માટે દરેક શિફ્ટમાં એક-કલાકની હડતાળ પાડવાનું એલાન કર્યું છે.

એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે અમે કર્મચારીઓને ઉચિત પગાર આપીએ છીએ. એમને પ્રતિ કલાક 14 યૂરો (15.27 ડોલર)નો સ્ટાર્ટિંગ પગાર તથા અતિરિક્ત લાભો આપીએ છીએ. કર્મચારીઓની માગણી છે કે એમને પ્રતિ કલાક 18.69 ડોલરનો પગાર આપવામાં આવે અને કામકાજની પરિસ્થિતિ બેહતર કરવામાં આવે.