મોદીકેરઃ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્યયોજના, વાર્ષિક 11,000 કરોડનો ખર્ચ માગશે

અમદાવાદ– મોદી સરકારના અંતિમ પૂર્ણ બજેટમાં દેશના 10 કરોડ પરિવારના 50 કરોડ લોકોને વાર્ષિક 5 લાખ રુપિયાનો સ્વાસ્થ્ય વિમો આપવાની બજેટની જોગવાઇએ આર્થિકજગતનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે. એખ અંદાજ પ્રમાણે આ યોજનાને અમેરિકાની ઓબામાકેર યોજનાની જેમ મોદીકેરની નજરે જોવાશે અને તેના પર કેન્દ્ર-રાજ્ય સરકારના દર વર્ષે 11,000 કરોડ રુપિયા ખર્ચ કરવો પડશે. દાવો છે કે આ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વિમા યોજના છે.આ યોજના માટે સરકારે 2018-2019ના વર્ષમાં 2,000 કરોડ રુપિયાની ફાળવણી કરી છે. પરંતુ એકવાર યોજનાની શરુઆત બાદ વધુ ફંડની વ્યવસ્થા કરવાની થશે.

હાલમાં કેટલીક રાજ્ય સરકાર સ્વાસ્થ્ય વિમા જેવી નાના સ્તરની યોજનાઓ ચલાવે છે અને તે પણ યોગ્ય રીતે કામ કરતી નથી. ત્યારે મોદીકેરની યોજનાથી પ્રતિ પરિવાર 1,100 ખર્ચ આવશે. ત્યારે ટીકાકારોનું કહેવું છે કે બે હજાર કરોડ રુપિયાની ફાળવણી પર્યાપ્ત નથી.

આ યોજના પર વાર્ષિક 11 હજાર કરોડની જરુરત વર્તાઇ રહી છે તેમાં 7 હજાર કરોડ રુપિયા કેન્દ્ર સરકાર આપશે જ્યારે બાકીની રકમની વ્યવસ્થા રાજ્ય સરકારોએ કરવાની થશે. આગામી સમયમાં આ યોજનાની વિગતો પર કામ થશે ત્યારે કેન્દ્ર દ્વારા વધારાના 5 હજાર કરોડ રુપિયા ફાળવવાની તૈયારી છે.સરકારી હેલ્થ કંપનીઓ આ યોજનાને સપોર્ટ કરવા તૈયાર છે. જનસ્વાસ્થ્ય સેવાસુધારની દિશામાં અગત્યનું પગલું મનાતી મોદીકેરની યોજના સામે દેશમાં દવાખાનાં અને ડૉક્ટરોની અછતને નજરઅંદાજ કરી શકાશે નહીં. સરકારે પાછલાં સમયમાં દવાઓ અને તબીબી સાધનોના ભાવને નિયંત્રિત કર્યાં છે અને સ્વાસ્થ્ય પર થતાં ખર્ચમાં પણ વધારો કર્યો છે. તેમ છતાં ભારતમાં હજુ પણ જીડીપીના એક ટકો માત્ર જનસ્વાસ્થ્ય પર ખર્ચ થાય છે.દુનિયાના ઘણાં દેશોની તુલનામાં આ ખર્ચ ઘણો ઓછો માનવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]