કાયમ જવાન રહેવાનો નુસ્ખો બતાવીને ગયા છે ‘મસાલાસમ્રાટ’

નવી દિલ્હીઃ ભારતીય મસાલાઓની જાણીતી બ્રાન્ડ ‘એમડીએચ’ના માલિક ‘મહાશય’ ધરમપાલ ગુલાટીનું 98 વર્ષની વયે આજે સવારે હૃદયરોગનો હુમલો આવવાને કારણે દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું. તેઓ ‘પદ્મભૂષણ’ એવોર્ડવિજેતા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગયા વર્ષે એમને આ એવોર્ડ એનાયત કર્યો હતો.

ગુલાટીનો જન્મ 1923માં સિયાલકોટ (હાલ પાકિસ્તાન)માં થયો હતો. સ્કૂલનું ભણતર અડધેથી છોડી દેનાર ગુલાટી બહુ નાની વયે પિતા ચુનીલાલના મસાલાના ધંધામાં જોડાયા હતા. સિયાલકોટમાં એમની મસાલાની દુકાન હતી, જેનું નામ હતું ‘મહાશય દી હટ્ટી’. જોકે 1947માં ભારતના ભાગલા થયા બાદ એમના પરિવારના મસાલાના ધંધાને મોટો ફટકો પડ્યો હતો. માત્ર રૂ. 1500ની રકમ સાથે પરિવારના સભ્યો ભારત આવી ગયા હતા અને અમૃતસરમાં એક નિરાશ્રીત કેમ્પમાં રહેવું પડ્યું હતું. પરંતુ ટૂંક સમયમાં જ પરિવારે દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં મસાલાનો એક સ્ટોર શરૂ કર્યો હતો અને તેમાં સફળતા મળી હતી. એટલે ચાંદની ચોક વિસ્તારમાં બીજી દુકાન શરૂ કરી હતી. 1959માં પરિવારે દિલ્હીમાં મસાલાની ફેક્ટરી શરૂ કરી અને ‘મહાશય દી હટ્ટી’ દુકાનના નામે જ ‘એમડીએચ’ બ્રાન્ડ લોન્ચ કરી હતી. આ બ્રાન્ડ જોતજોતામાં ભારતમાં તો છવાઈ ગઈ એટલું જ નહીં, પણ 100 દેશોમાં પણ એના મસાલાની નિકાસ કરવા લાગી.

‘મહાશયજી’ ગુલાટી ટીવી જાહેરખબરોમાં વારંવાર ચમકતાં રહ્યા હતા. મોટી સફેદ મૂછ અને માથે લાલ રંગની પાઘડી સાથેનો એમનો લૂક ભારતના ટીવી દર્શકોમાં લોકપ્રિય થયો હતો. ટીવી જાહેરખબરોમાં મોડેલની જેમ ચમકવાનો નિર્ણય એમનો પોતાનો હતો. તે જાહેરખબરોને કારણે જ તેઓ ઘર-ઘરમાં ‘દાદાજી’, ‘મસાલા કિંગ’ તરીકે જાણીતા થયા છે. 2017માં તેઓ સૌથી વધુ પગાર લેતા સીઈઓ બન્યા હતા. એમનો પગાર રૂ. 20 કરોડ હતો. જોકે તેઓ એમના પગારની 90 ટકા રકમ દાનમાં આપી દેતા હતા. એમડીએચ સંચાલિત એક ટ્રસ્ટ દિલ્હીમાં અનેક શાળાઓ અને હોસ્પિટલો ચલાવે છે. આ કામગીરીની કદરરૂપે ભારત સરકારે ગયા વર્ષે એમને પદ્મભૂષણ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. એમડીએચ મસાલા બ્રાન્ડની ઉત્પાદન ક્ષમતા 30 ટન પ્રતિદિન છે. તેઓ એમના ધંધાનો દોર નવી પેઢીને આપતા ગયા છે તો જીવનમાં કાયમ તંદુરસ્ત કેમ રહેવું એ બધાયને જણાવતા ગયા છે. એ દરરોજ સવારે 5.25 વાગ્યે ઉઠી જતા. દરરોજ સાંજે બગીચામાં ફરવા જતા. એમનું ભોજન પણ હળવું રહેતું. બુઢાપાને દૂર રાખવા માટે તેમણે અમુક ટિપ્સ આપી હતીઃ દિવસમાં કમસે કમ એક વાર મલાઈવાળું દૂધ પીવું જોઈએ, શક્ય હોય તો બદામના તેલથી શરીરે માલિશ કરાવવું જોઈએ, દરરોજ શેવિંગ કરવું જોઈએ. એમના ચહેરા પર કાયમ હાસ્ય જોવા મળતું. વયોવૃદ્ધ અવસ્થામાં પણ તેમની શારીરિક ઊર્જા, ચહેરા પરનું તેજ અને જીવનને હસતા રહીને જીવવાની એમની સ્ટાઈલ લોકોને પ્રભાવિત કરી ગઈ.