ઘણા ભારતીયો કોરોના-રસી લેવા બ્રિટન જવા આતુર

નવી દિલ્હીઃ બ્રિટિશ સરકાર દ્વારા ગઈ કાલે કોવિડ-19ની રસીને મંજૂરી અપાયા પછી અનેક ભારતીયોએ યુકે જઈ રસી પ્રાપ્ત કરવા માટે ટ્રાવેલ એજન્ટોને ત્યાં પૂછપરછ શરૂ કરી હતી. એક ટ્રાવેલ એજન્ટ તો એ ભારતીયો માટે ત્રણ-રાત્રિનું પેકેજ શરૂ કરવા માટે આયોજન કરી રહ્યો છે. જે ભારતીયો બ્રિટનમાં મોટા પાયે શરૂ થયેલા રસીકરણનો લાભ લેવા ઇચ્છે છે, તેમના માટે આવતા સપ્તાહે પેકેજ શરૂ થવાની સંભાવના છે. યુકે બુધવારે ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાઇરસની રસીને મંજૂરી આપનારો પહેલો દેશ બની ગયો છે.

મુંબઈના એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું હતું કે બુધવારે કેટલાક લોકોએ કોવિડ-19ની રસી પ્રાપ્ત કરવા માટે યુકેમાં આ રસી ક્યારે અને કેવી રીતે મળશે એ અંગે સવાલો કર્યા હતા. મેં તેમને જણાવ્યું હતું કે રસી કઈ રીતે પ્રાપ્ત થશે એ વિશે કંઈ પણ કહેવું અત્યારે વહેલું હશે. આમ તો રસી મેળવવાની લાઇનમાં સૌથી પહેલાં સિનિયર સિટિઝનો અને હેલ્થ વર્કર્સ હશે, જે કોરોના વાઇરસ સામે સૌથી વધુ અસલામત છે, એમ એજન્ટે કહ્યું હતું.

EaseMyTrip.comના સહસંસ્થાપક અને સીઈઓ નિશાંત પિટ્ટીએ પણ કહ્યું હતું કે લંડનના પ્રવાસ માટે હાલ ઓફબીટ સીઝન છે. બુધવારે ફાઇઝરની રસી વિષે ઘોષણા થયા પછી તેમને યુકેના વિઝા ધરાવતા કેટલાક ભારતીયોએ સવાલો કર્યા હતા. તેમની કંપની બ્રિટન સરકારથી સ્પષ્ટતા માટે રાહ જોઈ રહી છે કે શું એ પ્રવાસીઓને રસીકરણ કરવા ઇચ્છે કે નહીં, જે ભારતીય પાસપોર્ટધારક રસી માટે પાત્ર છે કે નહીં. તેમની કંપની પણ માત્ર રસીના ઉદ્દેશથી યુકે જવા ઇચ્છતા લોકો માટે ત્રણ-રાત્રિનું પેકેજ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.