અમદાવાદઃ સતત બે દિવસના ઘટાડા પછી આજે વૈશ્વિક માર્કેટમાં તેજીને પગલે શેરોમાં મજબૂતાઈ જોવા મળી હતી. સોમવારે સેન્સેક્સ કોરોના વાઇરસના નવા સ્વરૂપ ઓમિક્રોનની ચિંતામાં 949 પોઇન્ટ તૂટ્યો હતો, જેથી વેચાણો કપાતાં આજે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ દોઢ ટકા ઊછળ્યા હતા. સેન્સેક્સ 887 પોઇન્ટ ઊછળીને 57,633.65ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 264 પોઇન્ટ ઊછળીને 17,177ના મથાળે બંધ રહ્યો હતો. રિલાયન્સની આગેવાનીમાં મેટલ, બેન્ક, રિયલ્ટી અને ઓટો શેરોમાં જોરદાર લેવાલી થઈ હતી. નિફ્ટીમાં 23 સપ્ટેમ્બર પછી સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ તેજી થઈ હતી.
સેન્સેક્સના 30માંથી 29 અને નિફ્ટી 50ના 45 શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી બેન્કના બધા 12 શેરોમાં પણ તેજી થઈ હતી. નિફ્ટીના મોટા ભાગના ઇન્ડેક્સ તેજી થઈ હતી.શેરબજારમાં આજની તેજીને લીધે રોકાણકારોની સંપત્તિમાં 3,45,719.55 કરોડનો વધારો થયો હતો.
ભારતીય શેરબજારોમાં છેલ્લા બે દિવસથી સારી એવી વેચવાલી જોવા મળી હતી, જેથી સેન્સેક્સ 1700 પોઇન્ટ તૂટી ગયો હતો અને નિફ્ટીમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી, પણ આજે એ વેચાણો કપાતાં શેરો નીચા મથાળેથી ઊંચકાયા હતા.
બજારની ચાલ હવે રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમીક્ષા પર રહેશે બેન્ક વ્યાજદર અંગે શો નિર્ણય લે છે, એના પર બજારની ચાલનો આધાર રહેશે.