SME, સ્ટાર્ટઅપ્સના લિસ્ટિંગને ઉત્તેજન આપવા BSE-એચબીએફ ડાયરેક્ટ વચ્ચે કરાર

મુંબઈ તા. 7 ડિસેમ્બર, 2021: દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈ અને મેનેજમેન્ટ સલાહકાર કંપની એચબીએફ ડાયરેક્ટ લિમિટેડ વચ્ચે એક સમજૂતી કરાર થયો છે, જે હેઠળ બંને દેશભરમાં એમએસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સના લિસ્ટિંગને ઉત્તેજન આપવા માટે સંયુક્તપણે કામગીરી કરશે. એચબીએફ ડાયરેક્ટ એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સના બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ માટે મૂલ્યાંકન કરશે. એચબીએફ ડાયરેક્ટ એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સને મેનેજમેન્ટ સંબંધિત સલાહ પૂરી પાડે છે.

એ ઉપરાંત એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સમાં લિસ્ટિંગ અંગેની જાગૃતિ લાવવા માટે બીએસઈ અને એચબીએફ ડાયરેક્ટ રોડ-શો અને કાર્યક્રમોનું આયોજન કરશે.

આ પ્રસંગે બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સના હેડ અજ ઠાકુરે કહ્યું કે અત્યારે નાના વેપારો કોવિડની અસરમાંથી બેઠા થઈ રહ્યા છે ત્યારે તેમને માટે ઈક્વિટી મૂડીનું અદકેરું મહત્ત્વ છે. આ સમજૂતી કરાર હેઠળ એચબીએફ ડાયરેક્ટ લિ.ના ગ્રાહકોનો સંપર્ક કરી જુદાં જુદાં ક્ષેત્રોનાં એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચી શકાશે અને તેઓમાં લિસ્ટિંગ અંગેની જાગૃતિ લાવી શકાશે. પરિણામે વધુને વધુ વેપારો ઈક્વિટી મૂડીના લાભ લઈ શકશે.

એચબીએફ ડાયરેક્ટના સીઈઓ સચીન શેરોને કહ્યું કે વધુને વધુ કંપનીઓ જોડાઈ રહી છે અને વૈશ્વિક સ્પર્ધામાં આગળ રહી વિસ્તાર અને વિકાસ માટે આતુર છે ત્યારે બીએસઈ સાથેનું આ જોડાણ તેમને આઈપીઓ લિસ્ટિંગમાં અને અન્ય માર્ગદર્શન પૂરું પાડવામાં મહત્ત્વપૂર્મ બની રહેશે. અમે ઈચ્છીએ છીએ કે આગામી સમયગાળામાં વધુને વધુ એસએમઈ અને સ્ટાર્ટઅપ્સ લિસ્ટ થાય.