અમદાવાદઃ સપ્તાહનો પ્રારંભ શેરબજારોમાં તેજી સાથે થયો હતો. તેજીવાળા ઓપરેટરોએ શેરોની જાતેજાતમાં ભારે લેવાલી કાઢતાં સેન્સેક્સે સૌપ્રથમ વાર મહત્ત્વની 52,000ની સપાટી વટાવી હતી. નિફ્ટી ઇન્ડેક્સે પણ 15,300ની સપાટી વટાવી હતી. કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામો, ડિસેમ્બરમાં IIP ગ્રોથ અંદાજ કરતાં વધુ સારા આવતાં અને રિટેલ મોંઘવારીમાં પણ ઘટાડો થતાં શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. જોકે અમેરિકામાં રાહત પેકેજની આશાએ ક્રૂડ તેલની કિંમતોમાં વધારો થયો હતો અને ભાવ 13 મહિનાની ઊંચી સપાટીએ પ્રતિ બેરલ 63 ડોલરે પહોંચ્યા હતા.
વૈશ્વિક બજારોના સારા સંકેતોને પગલે SGX નિફ્ટી 15,200ની ઉપર ટ્રેડ કરતો હતો. બજારમાં સવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ, નિફ્ટી, નિફ્ટી બેન્ક અને મિડકેપ ઇન્ડેક્સ નવા શિખરે પહોંચ્યા હતા. બેન્કિંગ અને એનબીએફ શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. આઇસીઆઇસીઆઇ બેન્ક નવી ઊંચાઈ પહોંચ્યો હતો, જ્યારે એચડીએફસી, એલ એન્ડ ટી ફાઇ. હોલ્ડિંગ્સ અને શ્રીરામ ટ્રાન્સપોર્ટમાં 2થી પાંચ ટકાથી તેજી થઈ હતી. કેમિકલ શેરોમાં પણ જોરદાર તેજી થઈ હતી. સેન્સેક્સે 52,141નો નવો હાઈ બનાવ્યો હતો, જ્યારે નિફ્ટીએ 15,321.30ની ઊંચી સપાટી સર કરી હતી. સેન્સેક્સમાં 550 પોઇન્ટ અને નિફ્ટીમાં હાલ 145 પોઇન્ટનો ઉછાળો છે.
અમેરિકામાં પણ કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ ડે પર માર્કેટ બંધ છે. મોટા ભાગના એશિયન બજારોમાં નવા વર્ષની રજા છે, પણ જાપાનનો નિફ્કીમાં 1.54 ટકા, સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.38 ટકા અને કોસ્પિમાં 1.48 ટકાની મજબૂતાઈ છે.
જોકે શુક્રવારે કેટલાંય સેશન પછી એફઆઇઆઇએ ભારતીય શેરબજારોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. તેમણે 37.33 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ચોખ્ખી રૂ. 597.62 કરોડના શેરોની વેચવાલી કરી હતી.