મુંબઈઃ વોડાફોન-આઈડિયાને માથે એક તો રૂ. 50,000 કરોડથી વધારેનું એવરેજ ગ્રોસ રેવેન્યૂ (એજીઆર) દેવું ચડેલું છે અને એવામાં ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ કંપનીના બોર્ડ પરથી નોન-એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યૂટિવ ચેરમેન પદેથી રાજીનામું આપતાં કંપનીની માર્કેટ કેપમાં રૂ. 2,700 કરોડનું ધોવાણ થઈ ગયું છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન બિરલાએ કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને પોતાનો રાજીનામાનો પત્ર ગયા જૂન મહિનામાં આપ્યો હતો જે હવે જાહેર થયો છે. વોડાફોન આઈડિયાએ સમર્થન આપ્યું છે કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે બિરલાનું રાજીનામું સ્વીકારી લીધું છે. વોડાફોન-આઈડિયાએ આની જાણકારી શેરબજારને પણ કરી દીધી છે. કંપનીએ જોકે રાજીનામું આપવાના બિરલાના નિર્ણયનું કારણ જણાવ્યું નથી.
બિરલાની આઈડિયા સેલ્યૂલર કંપનીના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ વોડાફોન આઈડિયા લિમિટેડના નવા ચેરમેન બનશે. બિરલાના રાજીનામાને કારણે કંપનીનો શેર આજે સોદાઓના ત્રણ સત્રમાં જ 40 ટકા જેટલો તૂટ્યો હતો. વોડાફોન આઈડિયાના 27 કરોડ જેટલા વાયરલેસ ગ્રાહકો છે.