કારોની કિંમતમાં ભારે વધારો થવાની શક્યતા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટપ્રધાન નીતિન ગડકરીએ ઓટો કંપનીઓને કારોના બધા વેરિયેન્ટ અને સેગમેન્ટમાં મિનિમમ છ એરબેગ લગાવવાની અપીલ કરી છે. ગડકરીની આ અપીલનો લાભ કાર ચલાવતા લોકોને મળશે. એરબેગની સંખ્યા વધવાથી કારમાં બેઠેલા લોકોને સુરક્ષિત રાખી શકાશે અને ગંભીર ઇજા થવાની શક્યતા ઘણી ઓછી કરી શકાશે. હાલના સમયે કારની અંદર આગળની બાજુ એરબેગ હોવી ફરજિયાત છે. જો કાર કંપનીઓ કારોમાં છ એરબેગ્સ ફરજિયાતપણે મૂકશે તો એનાથી કિંમતમાં ઘણો વધારો થશે.
એરબેગ જોવામાં ભલે નાની હોય છે, પણ કારો એની સંખ્યા વધવાની સાથે એની કિંમતમાં વધારો થશે. કારઉત્પાદક કંપનીની એરબેગની કિંમત અલગ-અલગ હોય છે. એ કિંમત રૂ. 10,000થી માંડીને રૂ. 25,000 સુધી જઈ શકે છે. જો કારોમાં છ એરબેગ્સ લગાવવાનું ફરજિયાત થાય છે તો એનાથી કારની કિંમતમાં સીધા રૂ. એક લાખથી વધુનો વધારો સંભવ છે.

કારોમાં છ એરબેગ્સ ફરજિયાત થાય છે તો ઇચ્છા ન હોવા છતાં નવી કારોની વધેલી કિંમતોએ ખરીદવા પડશે. હાલના સમયમાં કારના વેરિયેન્ટને હિસાબે એમાં એરબેગ ઓફર કરવામાં આવે છે. આવામાં ગ્રાહક પોતાની પસંદ અને બજેટને હિસાબે કારના વેરિયેન્ટ પસંદ કરે છે. એનાથી તેઓ પોતાના બજેટમાં કાર ખરીદી શકે.

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટપ્રધાને હાલ તો કાર કંપનીઓને અરજ કરી છે. આ નિયમ લાગુ થવાથી હજી કેટલો સમય લાગશે, એ વિશે માહિતી નથી મળી. એપ્રિલ, 2021થી કાર કંપનીઓને નવી કારોમાં ડ્યુઅલ એરબેગ આપવી ફરજિયાત છે, જ્યારે જૂની કારોમાં ડ્યુઅલ એરબેગ લગાવવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2021 સુધી વધારવામાં આવી છે.