શેરહોલ્ડરોએ જેટ એરવેઝના FY20 પરિણામોને નામંજૂર કર્યા

મુંબઈઃ જેટ એરવેઝના શેરહોલ્ડરોએ વર્ષ 2019-20 માટે કંપનીના નાણાકીય પરિણામોને નકારી કાઢ્યા છે. ગઈ 15 જૂને જેટ એરવેઝે વિડિયો કોન્ફરન્સ તથા અન્ય ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો મારફત કંપનીની 28મી વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આયોજન કર્યું હતું. નાણાકીય પરિણામોને શેરહોલ્ડરો દ્વારા નામંજૂર કરાયા એની જાણ કંપનીએ એક રેગ્યૂલેટરી નોંધમાં કરી છે. આવશ્યક બહુમતી સાથે તે ઠરાવ પાસ કરી શકાયો નહોતો અને એજીએમ બેમુદત સમય સુધી મુલતવી રાખી દેવાઈ હતી. હવે શેરહોલ્ડરોને નોટિસ આપ્યા બાદ મોકૂફ રખાયેલી બેઠકમાં તેની પર વિચારણા કરવામાં આવશે.

જેટ એરવેઝ હાલ નાદારીની સ્થિતિમાં છે અને એની સેવા-કામગીરીઓ બંધ છે. તેના માથે આશરે રૂ. 8,500 કરોડનું દેવું ચડી ગયું છે.