નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. આ વખતનું બજેટ ગઠબંધન સરકાર માટે એક અગ્નિપરીક્ષા સમાન છે. એક બાજુ બજેટ રજૂ કરતાં પહેલાં નાણાપ્રધાન સરકારી ખર્ચને અંકુશમાં રાખવા માટે બધાં રાજ્યોની સરકારી માગોને સંતુલિત કરવાની રહેશે, જ્યારે બીજી બાજુ, NDA સરકારમાં સામેલ નીતીશકુમારે બિહારમાં પ્રોજેક્ટો માટે બજેટમાં રૂ. 30,000 કરોડની માગ કરી છે, જ્યારે ચંદ્બબાબુ નાયડુએ પણ મોટી રકમની માગ કરી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
આ મામલાના જાણકાર લોકોએ જણાવ્યું હતું કે JDUના અધ્યક્ષ અને CM નીતીશકુમારે ગયા મહિને નાણાપ્રધાન નિર્મલા સીતારામન સામે બજેટ પૂર્વેની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. બીજા બાજુ TDPએ આંધ્ર પ્રદેશ માટે આગામી કેટલાંક વર્ષોમાં 12 અબજ ડોલરથી વધુની મદદ આપવા વિનંતી કરી છે. બંને પક્ષોની આ માગ એકઠી કરીએ તો એ સરકારના વાર્ષિક ખાદ્ય સબસિડી બજેટ 2.2 ટ્રિલિયન રૂપિયાના અડધાથી પણ વધુ છે. આમ મોદી સરકાર પર રાજકોષીય દબાણ વધી ગયું છે.
આર્થિક તંગીથી ઝઝૂમતા બિહાર, આંધ્ર પ્રદેશ
બિહાર અને આંધ્ર પ્રદેશ બંને રાજ્યો હાલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે, જેનાથી વિકાસ પ્રોજેક્ટ પર ખર્ચ કરવાની તેમની ક્ષમતા ઘટી છે. સત્તાવાર આંકડા અનુસાર પગાર, પેન્શન અને વ્યાજ ચુકવણી પર બિહારનો ખર્ચ રાજ્યની આવકના 40 ટકાથી વધુ થાય છે. વળી, પૂર્વોત્તર રાજ્ય દેશના સૌથી ગરીબ રાજ્યોમાંનું એક છે. આ સાથે આંધ્ર પ્રદેશની પણ હાલત કથળેલી છે.