નવી દિલ્હીઃ વર્ષ 2023 IPO માર્કેટ માટે શાનદાર રહ્યું હતું. મેનબોર્ડ ઇશ્યુને બમ્પર રિસ્પોન્સ મળવાની સાથે રોકાણકારોને પણ નોંધપાત્ર રિટર્ન એક દિવસમાં મળ્યું હતું.જોકે વર્ષ 2023માં રોકાણકારોની નજરોમાં SME કંપનીઓના ઇશ્યુ સ્ટાર સાબિત થયા.
વર્ષ 2023માં આવેલા SME ઇશ્યુએ બજારથી આશરે રૂ. 4500 કરોડ એકત્ર કરવા અરજી આપી હતી, પરંતુ રોકાણકારોના બિડનું કુલ મૂલ્ય આશરે રૂ. ત્રણ લાખ કરોડે પહોંચ્યું હતું. આટલું નહીં, SME પ્લેટફોર્મ પર લિસ્ટ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આ વર્ષે રૂ. એક લાખ કરોડને પાર પહોંચ્યું હતું. આ વર્ષ અત્યાર સુધી SME પ્લેટફોર્મ પર 164 ઇશ્યુ આવ્યા અને કંપનીઓ લિસ્ટ થઈ છે. આ આંકડો ગયા વર્ષની તુલનાએ 51 ટકા વધુ છે અને ત્યારે 108 કંપનીઓ લિસ્ટ થઈ હતી.
વર્ષ 2023માં આવેલા 164 ઇશ્યુ દ્વારા SMEએ બજારમાંથી રૂ. 4425 કરોડ એકઠા કર્યા હતા. આ કંપનીઓમાં રોકાણકારો દ્વારા આપવામાં આવેલી અરજીઓ 2.8 લાખ કરોડ જેટલી હતી. વર્ષ 2023માં પહેલો SME ઇશ્યુ ચમન મેટાલિક્સનો હતો, કંપનીએ બજારમાંથી રૂ. 24 કરોડ એકત્ર કર્યા હતા. રોકાણકારોએ આ ઇશ્યુમાં રૂ. 4800 કરોડના મૂલ્યની બિડ કરી હતી. જોક્ તેમ છતાં ઇશ્યુ ટોચના 10 SMEમાં જગ્યા ના બનાવી શક્યો. વર્ષમાં સૌથી વધુ સબસ્ક્રાઇબ થનારો SME ઇશ્યુ કહાન પેકેજિંગનો હતો, જે 450 ગણો ભરાયો હતો.