નવી દિલ્હીઃ ઈન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ બુધવારે ‘એમેઝોન સંભવ’માં હાજરી આપી હતી. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ નક્કી કરેલા સમય કરતા દોઢ કલાક મોડો શરૂ થયો હતો. આ અંગે નારાયણ મૂર્તિએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, મને આ રીતે મોડા પડવાની ટેવ નથી. જોકે, ત્યારપછી નારાયણ મૂર્તિએ તેમનું 20 મિનિટનું ભાષણ 5 મિનિટમાં જ પૂર્ણ કર્યું હતું. બે દિવસીય સંભવ સમિટમાં એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસે પણ હાજરી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નાના અને મધ્યમ વેપારીઓ માટે યોજાયેલા એમેઝોન સંભવ સમિટમાં 100થી વધારે ગ્લોબલ લીડર અને ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ ભાગ લઈ રહ્યા છે. નારાયણ મૂર્તિએ કહ્યું કે, આપણને લગભગ દોઢ કલાક જેટલું મોડું થઈ ગયું છે. મારે મારી વાત 11.45 સુધી ખતમ કરવાની હતી, પણ હાલ 11.53 થઈ રહ્યા છે એટલે હું મારી વાત સંક્ષેપમાં કહેવાનો પ્રયાસ કરીશ. મારે 20 મિનિટ સુધી બોલવાનું હતું, પણ હવે હું મારી વાત પાંચ જ મિનિટમાં પતાવીશ. કારણ કે હું આવા મોડા કાર્યક્રમોથી ટેવાયેલો નથી.પોતાની વાત ખતમ કરીને તાત્કાલિક તેમણે મંચ છોડી દીધું હતું. જોકે ત્યારબાદ એમેઝોનના સીઈઓ જેફ બેજોસે તેમને પ્રશંસા પત્ર આપવા માટે પરત સ્ટેજ પર બોલાવ્યા હતા.
કડક ઈ કોમર્સ નિયમોનું પાલન કરવા માટે એમેઝોન ડોટ કોમે તેમની મોટાભાગની હિસ્સેદારી દેશી પાર્ટનર ક્લાઉડટેલને વેંચી દીધી છે. ક્લાઉડટેલ, બેઝોસ બેહમોથ અને મૂર્તિના કેટામરાન વેન્ચર્સ વચ્ચે એક સંયુક્ત સાહસ છે.
ઉલ્લેખનીય છે કે આ સમિટ દરમ્યાન એમેઝોનના સીઈઓ જેફ બેજોશે જાહેરાત કરી હતી કે એમેઝોન 2025 સુધી 10 અબજ ડોલર(71 હજાર કરોડ રૂપિયા)ની કિંમતની મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરશે. સાથે જ ભારતમાં નાના અને મધ્યમ વેપારીઓને ડિઝિટાઈઝ કરવા માટે એક અબજ ડોલર(7,100 કરોડ રૂપિયા)નું રોકાણ કરવામાં આવશે.