એક્ઝિમ બેન્કે 1 અબજ ડોલરના બોન્ડ ઈશ્યુને ઈન્ડિયા INX પર લિસ્ટ કર્યો  

મુંબઈ – એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (એક્ઝિમ બેંક)એ ગિફ્ટ આઈએફએસસી ખાતેના ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જના ગ્લોબ સિક્યુરિટીઝ માર્કેટ પર સ્થાપિત 10 અબજ અમેરિકન ડોલરના મીડિયમ-ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ આજે બોન્ડ ઈશ્યુ કરી એક અબજ યુએસ ડોલર એકત્ર કર્યા હતા.

ફેબ્રુઆરી 2018 પછીનો કોઈ ભારતીય ઈશ્યુઅરનો  સૌથી મોટો ઈશ્યુ જેને ગણાવવામાં આવ્યો છે એવા આ ઈશ્યુનો વાર્ષિક કૂપન રેટ 3.25 ટકા અને  મુદત દસ વર્ષની છે, જેને કુલ 2.7 અબજ યુએસ ડોલરની બીડ્સ પ્રાપ્ત થઈ હતી. એક્ઝિમ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર ડેવિડ રસક્વિન્હા અને ચીફ જનરલ મેનેજર અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર સુશ્રી હર્ષા બાંગરીએ ઈન્ડિયા આઈએનએક્સ પર બેલ વગાડીને ઈશ્યુ ખુલ્લો મૂક્યો હતો.

ઈશ્યુની સફળતા પર ટિપ્પણ કરતાં ઈન્ડિયા આઈએનએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે કહ્યું, “અત્યારે રેટ્સ અતિ વોલેટાઈલ છે ત્યારે પણ એક્ઝિમ બેન્કના પ્રથમ ઈશ્યુને જે ઝળહળતી સફળતા મળી છે તેના માટે એક્ઝિમ બેન્કને અભિનંદન. એક્ઝિમ બેન્કે તેનાં ઈન્સ્ટ્રુમેન્ટ્સ અમારા ગ્લોબ સિક્યુરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ પરથી ઈશ્યુ કર્યાં એનો અમને આનંદ છે અને અમારા એક્સચેન્જમાં મૂકેલા વિશ્વાસ બદલ અમે એક્ઝિમ બેન્કનો આભાર માનીએ છીએ. વર્ષ 2020ના પ્રારંભે આવડો મોટો સિંગલ ઈશ્યુ લિસ્ટ થયો એનો ઈન્ડિયા આઈએનએક્સને આનંદ છે અને ઈન્ડિયા આઈએનએક્સ અને ગિફ્ટ સિટી ઉજ્જવળ ભાવિયુક્ત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર તરીકેના સ્થળ અને ગંતવ્ય સ્થાન તરીકે ઊભર્યાં  છે એવી અમારી માન્યતાને આનાથી પુષ્ટિ મળી છે.”

આ પ્રસંગે એક્ઝિમ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર ડેવિડ રસક્વિન્હાએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ઈશ્યુ કરતા ઈશ્યુઅરોમાંની એક એક્ઝિમ બેન્ક છે. એક્ઝિમ બેન્કનું મોટા ભાગનું કામકાજ યુએસ ડોલરમાં થાય છે.  એક્ઝિમ બેન્ક એક અબજ ડોલરના સફળ ઈશ્યુ બાદ ભાવિ ઈશ્યુઓ માટે ઈન્ડિયા આઈએનએક્સ સાથેના સંબધને વધુ ગાઢ બનાવશે.”

લિસ્ટિંગ સમારંભ એક્ઝિમ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ડેવિડ રસક્વિન્હાના પ્રમુખપદે ગુરુવારે બીએસઈના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. આ પૂર્વે એક્ઝિમ બેન્કે તેના 10 અબજ અમેરિકન ડોલરના મીડિયમ-ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ 5.6 અબજ ડોલરના બોન્ડ ઈશ્યુનું લિસ્ટિંગ ઈન્ડિયા આઈએનએક્સ પર કર્યું હતું.