મુંબઈઃ ગૂગલ, ટુમાસેક અને બેઈન એન્ડ કંપનીએ રિલીઝ કરેલા એક સંયુક્ત અહેવાલમાં જણાવ્યા મુજબ, ભારતની ઈન્ટરનેટ આધારિત અર્થવ્યવસ્થા 2030ની સાલ સુધીમાં છ ગણી વધીને 1 ટ્રિલિયન ડોલરના આંકને સ્પર્શી જશે. આ ઉછાળો મુખ્યત્વે ઈ-કોમર્સને લીધે હશે. 2022માં ભારતની ઈન્ટરનેટ-ઈકોનોમી 155-175 અબજ ડોલરની રેન્જમાં રહી હતી.
આ ઉછાળામાં મુખ્ય હિસ્સો B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) ઈ-કોમર્સ સેગ્મેન્ટનો હશે. ત્યારબાદના ક્રમે B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) ઈ-કોમર્સ, સોફ્ટવેર સર્વિસ પ્રોવાઈડર્સ અને ઓનલાઈન મિડિયા આવે છે.
ગૂગલ ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર અને વાઈસ-પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાનું કહેવું છે કે ભવિષ્યમાં ભારતમાં મોટા ભાગની ખરીદી ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. કોરોનાવાઈરસ મહામારી બાદ સ્ટાર્ટઅપ્સ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તેમજ મોટી કંપનીઓએ ડિજિટલ માર્ગ અપનાવવામાં આગેવાની લીધી છે. એને કારણે ડિજિટલ ટેક્નોલોજીઓનો ઉપયોગ વધારે સ્પર્ધાત્મક બન્યો છે.