મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કહ્યું કે ભારતીય અર્થતંત્ર ફરી જોરમાં આવશે એટલું જ નહીં, પણ એ અભૂતપૂર્વ ગતિ સાથે વિકાસ પામશે. તેમણે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ-2020 વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં આમ જણાવ્યું હતું.
અંબાણીએ કહ્યુ કે દેશમાં હજી પણ 30 કરોડ જેટલા લોકો 2G ફોન જ વાપરી રહ્યા છે અને એમને સ્માર્ટફોન વાપરતા કરવા માટે તાકીદના નીતિવિષયક પગલાં લેવાની જરૂર છે. તેની સાથોસાથ, 5G સેવાને વહેલી તકે લોન્ચ કરવાની પણ જરૂર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભારત દેશ હવે પછીનો દાયકો ભરપૂર આત્મવિશ્વાસ સાથે આવકારશે.
અંબાણીએ કહ્યું કે ભારતમાં 2021ના બીજા હાફમાં 5G નેટવર્કની ક્રાંતિ લાવવામાં રિલાયન્સ જિયો પહેલ કરશે અને નવો ચિલો પાડશે. જિયોની 5G સર્વિસ પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના પ્રેરણાદાયી દૂરંદેશીપણાની સાબિતી બનશે.