ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું યુનિકોર્ન હબ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્ટાર્ટઅપમાં તેજી આવી છે. 2021માં દેશમાં 50,000થી વધુ નવા સ્ટાર્ટઅપ હતા, એમાંથી બહુબધી કંપનીઓનાં ઉત્પાદનો અને સેવાઓ વિશ્વ પર પ્રભાવ પાડી રહ્યા છે. દેશના અંતરિયાળ ભાગોમાં બધા લોકો સુધી બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ નથી, એવી જગ્યાએ લોકો માટે બેન્કની શાખા કે ATM ઉપલબ્ધ નથી, ત્યાં સ્પે (Spay) ઇન્ડિયા જેવાં સ્ટાર્ટઅપ કામ આવે છે.

સ્પે ઇન્ડિયાની સ્થાપના CEO અને સંસ્થાપક નિખિલેશ તિવારી તથા COO સુનીલ ધવને 2018માં કરી હતી. તેનો ઉદ્દેશ  ગ્રામીણ ભારતમાં લોકોને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવાનો છે અને બેન્કિંગને સરળ નાવવાનો છે. કંપની ત્યારથી ઝડપથી વધી રહી છે અને હવે એનું વાર્ષિક આવક રૂ. 100 કરોડ છે. સ્પે ઇન્ડિયા 20 રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંચાલિત થાય છે. દેશભરમાં 25,0000થી વધુ શાખાઓના નેટવર્કની સાથે ગ્રામીણ બેન્કિંગમાં કંપનીની મજબૂત ઉપસ્થિતિ છે.     

એક અહેવાલ મુજબ ભારતીય સ્ટાર્ટઅપ્સે વર્ષ 2021માં 42 અબજ ડોલરની એકત્ર કર્યા હતા, જે એના આગલા વર્ષે 11.5 અબજ ડોલરની તુલનાએ વધુ છે. ધ ઇન્ડિયન ટેક યુનિકોર્ન રિપોર્ટ-2021ના શીર્ષકવાળા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2021માં 46 યુનિકોર્ન (એક અબજ ડોલરવાળી કંપનીઓ) બની હતી, પણ હાલ દેશમાં યુનિકોર્નની કુલ સંખ્યા બે ગણી થઈને 90ની થઈ ગઈ છે, એમાં શેરચેટ, ક્રેડ, મીશો, નઝારા, મોગ્લિક્સ, એમપીએલ, ગ્રોફર્સ ( હવે બ્લિન્કિટ), અપગ્રેડ, મામાઅર્થ સહિત અન્ય કંપનીઓ સામેલ છે.

દેશમાં 90 યુનિકોર્ન છે. અમેરિકામાં 487 અને ચીનમાં 301 યુનિકોર્ન છે. એની સાથે યુનિકોર્નના મામલે ભારત ત્રીજા સ્થાને છે.