શેરબજારની છેતરપિંડીમાં ચાર મહિનામાં બેંગલુરુવાસીઓ રૂ. 200 કરોડ ગુમાવ્યા

બેંગલુરુઃ શેરબજારમાં હાલ આગઝરતી તેજી થઈ રહી છે, જેથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકોની વચ્ચે સ્ટોક માર્કેટ, મ્યચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય સાધનોમાં મૂડીરોકાણનો ક્રેઝ વધ્યો છે, પણ  IT સિટી બેંગલુરુમાં છેલ્લા ઘણા સમયથી સ્ટોક માર્કેટની છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે.

છેલ્લા ચાર મહિનામાં શહેરના લોકોએ કુલ 197 કરોડ ગુમાવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં કુલ 735 એવા કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં લોકોની સાથે મૂડીરોકાણને નામ પર ફ્રોડ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે એક પણ કેસમાં પોલીસ રિકવરી કરવામાં સફળ નથી રહી. માત્ર 10 ટકા કેસોમાં માત્ર બેન્ક ખાતાં ફ્રીઝ કરી શકાયા છે.ફેબ્રુઆરીમાં સૌથી વધુ સ્ટોક માર્કેટ ફ્રોડના કેસો સામે આવ્યા છે. સાઇબર પોલીસે આ મામલાઓની તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે. પોલીસના જણાવ્યાનુસાર ફેબ્રુઆરીમાં પ્રતિ દિન સ્ટોક માર્કેટ ફ્રોડથી જોડાયેલા આઠ કેસ નોંધાયા હતા. કુલ 237 કેસોમાં લોકોની સાથે મૂડીરોકાણને નામે રૂ. 88 કરોડની છેતરપિંડી થઈ હતી.

એડિશનલ સંયુક્ત પોલીસ કમિશનર ચંદ્રગુપ્તે જણાવ્યું હતું કે લોકો લાલચને કારણે આ અપરાધીઓની ચુંગાલમાં ફસાઈ જાય છે. છેતરપિંડીનો શિકાર થયેલા મોટા ભાગના 30 વર્ષથી ઓછી વયના છે અને બજાર વિશે જાણકારી ધરાવે છે, પણ વધુ રિટર્નની લાલચે અપરાધીઓનો શિકાર બની રહ્યા છે.