મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે 1,200 પોઇન્ટની રેન્જમાં વધ-ઘટ પામ્યો હતો અને 24 કલાકના અંતે 320 પોઇન્ટ વધ્યો હતો. ઇન્ડેક્સના વધારામાં પોલકાડોટ, બિટકોઇન અને અવાલાંશનો સહભાગ હતો, જે 1થી 3 ટકા વધ્યા હતા. લાઇટકોઇન, ડોઝકોઇન અને શિબા ઇનુ મુખ્ય ઘટેલા કોઇન હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 987 અબજ ડોલર રહ્યું હોવાનું કોઇનમાર્કેટકેપ વેબસાઇટ દર્શાવે છે. બિટકોઇન લાંબા સમય બાદ 21,000 ડોલરની સપાટી વટાવી ગયો હતો.
દરમિયાન, જાપાનની ફાઇનાન્શિયલ સર્વિસીસ એજન્સીએ ક્રીપ્ટોકરન્સીનું નિયમન કરવાનો અન્ય દેશોને અનુરોધ કર્યો છે. દક્ષિણ કોરિયામાં સોલ મેટ્રોપોલિટન સરકારે પોતાના મેટાવર્સ પ્લેટફોર્મ પર પ્રથમ જાહેર મેટાવર્સ પ્રોજેક્ટ શરૂ કરવા માટે પરવાનગી આપી છે. ઇરાન અને રશિયાની સરકાર આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો માટે સોનાનું સમર્થન ધરાવતા સ્ટેબલકોઇનની રચના કરવાનું વિચારી રહી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.05 ટકા (320 પોઇન્ટ) વધીને 30,768 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,448 ખૂલીને 31,278ની ઉપલી અને 29,989 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.