મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટ સોમવારે સામસામા રાહે અથડાઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.18 ટકા (69 પોઇન્ટ) વધીને 39,089 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,022 ખૂલીને 39,265ની ઉપલી અને 38,505 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી યુનિસ્વોપ, બીએનબી અને બિટકોઇન વધ્યા હતા, જ્યારે ટ્રોન, એક્સઆરપી, સોલાના અને પોલીગોનમાં 1થી 5 ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન, ભારતીય સર્વોચ્ચ અદાલતે ક્રીપ્ટોકરન્સી સંબંધિત નિયમન ઘડવા બાબતે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે. દેશમાં ક્રીપ્ટોકરન્સીને લગતા ગુનાઓ વધી રહ્યા હોવાથી એમાં તપાસ કરવાનું કેન્દ્રીય એજન્સીને કહ્યું છે. બીજી બાજુ, બાઇનાન્સ ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જની પેટા કંપની બાઇનાન્સ એફઝેડઈને દુબઈ વર્ચ્યુઅલ એસેટ રેગ્યુલેટરી ઓથોરિટી પાસેથી ઓપરેશનલ મિનિમમ વાયેબલ પ્રોડક્ટ લાઇસન્સ પ્રાપ્ત કર્યું છે. આ લાઇસન્સને પગલે એક્સચેન્જ તરીકે કામ કરવા ઉપરાંત બ્રોકર-ડીલર સર્વિસીસ પૂરી પાડવા માટેની પરવાનગી એને મળી છે.