મુંબઈઃ માઇક્રોસ્ટ્રેટેજી કંપનીએ આશરે 608 મિલ્યન ડોલર મૂલ્યના બિટકોઇનની ખરીદી કરી હોવાના અહેવાલને પગલે શુક્રવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ થઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.56 ટકા (1,217 પોઇન્ટ) વધીને 48,755 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 47,538 ખૂલીને 48,943ની ઉપલી અને 47,264 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાં અવાલાંશ, પોલકાડોટ, ઈથેરિયમ અને ડોઝકોઇન ટોચના વધેલા કોઇન હતા.
દરમિયાન, બ્રાઝિલની સેનેટે ક્રીપ્ટોકરન્સી માટેના નવા નિયમોને મંજૂરી આપી છે. એ અનુસાર સ્થાનિક રોકાણકારો જો વિદેશમાં આવેલા ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જમાં રખાયેલી ક્રીપ્ટોકરન્સી પર નફો રળશે તો એના પર 15 ટકા લેખે કરવેરો લાદવામાં આવશે. બીજી બાજુ, હોંગકોંગ સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ પ્રોફેશનલ એસોસિયેશને દેશના અર્થતંત્રને વેગ આપવા માટે ઇનિશિયલ કોઇન ઓફરિંગ યંત્રણા રચવાનું સૂચન કર્યું છે.