આઇસી15 ઇન્ડેક્સ 215 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ યુનાઇટેડ કિંગડમમાં ફુગાવાનો દર 10 ટકા કરતાં વધુ આવ્યો અને બિનાન્સમાં મોટાપાયે વેચવાલી થઈ એ બન્ને પરિબળોને લીધે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે ઘટાડો થયો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના મોટાભાગના ઘટકો ઘટ્યા હતા, જેમાંથી લાઇટકોઇન, અવાલાંશ, ચેઇનલિંક અને પોલીગોનમાં 1થી 5 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. ડોઝકોઇન, ટ્રોન અને એક્સઆરપી અનુક્રમે 4.33 ટકા, 0.78 ટકા અને 0,06 ટકા વધ્યા હતા.

દરમિયાન, હોંગકોંગની એક અદાલતે બંધ પડી ગયેલા ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ – ગેટકોઇન સંબંધેના એક કેસમાં ક્રીપ્ટોકરન્સીને પ્રોપર્ટી ગણાવી છે. બીજી બાજુ, સેન્ટ્રલ બેન્ક ઓફ બેલારુસે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો પ્રાયોગિક ઉપયોગ શરૂ કરવા માટેની તૈયારીઓ આરંભી છે. વર્ષાંતે બેલારુસના ડિજિટલ રૂબલના લોન્ચિંગનો એનો વિચાર છે. ઉપરાંત, રશિયન સેન્ટ્રલ બેન્ક ક્રીપ્ટો માઇનિંગ માટે નવી સંસ્થાઓ રચવાનું આયોજન કરી રહી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.55 ટકા (215 પોઇન્ટ) ઘટીને 39,189 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,404 ખૂલીને 39,697ની ઉપલી અને 38,877 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.