મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ટ્રેડરોમાં જોખમ લેવાનું માનસ ઘટ્યું હોવાને પગલે સોમવારે ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.52 ટકા (514 પોઇન્ટ) ઘટીને 33,202 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,716 ખૂલીને 33,907ની ઉપલી અને 33,068 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી તમામ કોઇન ઘટ્યા હતા, જેમાં એક્સઆરપીમાં 6.45 ટકાનો સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. પોલીગોન, સોલાના, પોલકાડોટ અને શિબા ઇનુમાં 4-5 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.
દરમિયાન, ભારત ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ભલામણોનો સ્વીકાર કર્યા બાદ આગામી મહિનાઓમાં ક્રીપ્ટોકરન્સી સંબંધે પોતાનું વલણ નક્કી કરશે. આમ, ભારતીય ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગ માટે કેટલાક સારા સંકેતો મળ્યા છે. બીજી બાજુ, ભારતીય સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી – ડિજિટલ રૂપીએ નવું સીમાચિહ્ન સર કર્યું છે. સીબીડીસીના આશરે 15 લાખ યુઝર્સ થયા છે અને ત્રણ લાખ વેપારીઓએ ડિજિટલ રૂપીથી પેમેન્ટ સ્વીકાર્યું છે. હાલ 26 શહેરોમાં 13 બેન્કો મારફતે ડિજિટલ રૂપીનો ઉપયોગ થઈ રહ્યો છે.
અન્ય એક અહેવાલ મુજબ જી-20 સમૂહે ક્રીપ્ટોકરન્સી માટે વૈશ્વિક નિયમનકારી માળખું ઘડવાનો વિચાર મજબૂત બનાવ્યો છે. આ સમૂહના નેતાઓએ ક્રીપ્ટો એસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્કનો ઝડપથી અમલ કરાવવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ, તાઇવાનનું ફાઇનાન્શિયલ સુપરવાઇઝરી કમિશન ગ્રાહકોના રક્ષણ માટે 10 માર્ગદર્શક સિદ્ધાંતો ઇસ્યૂ કરવાનું વિચાર્યું છે.