મુંબઈઃ બાઇનાન્સે અમેરિકાના ન્યાય ખાતા સાથે કરેલા સેટલમેન્ટ અને ચાંગપેંગ ઝાઓએ સીઈઓ પદેથી રાજીનામું આપ્યું એ બન્ને ઘટનાની અસર તળે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે ઘટાડો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.26 ટકા (1,070 પોઇન્ટ) ઘટીને 46,226 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 47,296 ખૂલીને 47,357ની ઉપલી અને 44,842 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. યુનિસ્વોપ સિવાયના તમામ કોઇન ઘટ્યા હતા. બાઇનાન્સમાં ઘટાડાનું પ્રમાણ 10 ટકા હતું. ઘટેલા અન્ય કોઇન અવાલાંશ, પોલીગોન અને શિબા ઇનુ હતા, જેમાં 4થી 7 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.
એક અહેવાલ મુજબ યુરોપિયન યુનિયનમાં બ્લોકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાના આયોજનને કારણે બેલ્જિયમ આ નવી ટેક્નોલોજી માટે આશાવાદી છે. બેલ્જિયમ યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખપદે છે એ સમયગાળા દરમિયાન સત્તાવાર દસ્તાવેજો સાચવવા માટે બ્લોકચેઇનનો ઉપયોગ કરવાનું નક્કી થયું છે.
બીજી બાજુ, માસ્ટરકાર્ડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નાણાકીય કૌભાંડો રોકવા માટે ફીડઝાઈ નામની કંપની સાથે સહકાર સાધ્યો છે. વિશ્વભરના ક્રીપ્ટોકરન્સીના કરોડો ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા માટે આ સહયોગ કરવામાં આવ્યો છે.